રાજકોટ, ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે છેલ્લા ૧૮ દિવસથી ચાલતા યુદ્ધના પ્રત્યાઘાતો અન્ય રાષ્ટ્રો સુધી પહોંચવાની આશંકા વચ્ચે રાજકોટમાં ઇઝરાયેલ વિરોધી પોસ્ટર લાગતા ખળભળાટ સર્જાયો છે. આનો વીડીયો વાઇરલ થતાં પોલીસતંત્રમાં પણ દોડધામ થઇ ગઇ હતી અને તાબડતોડ ટીમને દોડાવવામાં આવી હતી.
શહેરના નિલકંઠ ટોકિઝ નજીક આવેલા નિલકંઠ પાર્ક મેઇન રોડ પર બોયકોટ ઇઝરાયેલના અંગ્રેજી લખાણ ધરાવતા પોસ્ટર રસ્તા પર ચોંટાડવમાં આવ્યા હતા. કોઇ વ્યક્તિ દ્વારા સાયકલ પર પસાર થઇને તેનો વીડીયો ઉતારીને વાયરલ કર્યાની ચર્ચા છે.
આ બાબતની જાણ થતાં પોલીસ કાફલાને દોડાવવામાં આવ્યો હતો અને પોસ્ટર વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રાજકોટમાં કાંકરીચાળો કરવા કે માહોલ બગાડવા આવો પ્રયાસ કરાયો છે કે પેલેસ્ટાઇન તપાસ થવાના સંકેત છે. આ પોસ્ટર તાબડતોડ ઉખેડી લેવામાં આવ્યાનું પણ કહેવાય છે.
ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધ પછી અમેરિકા, ફ્રાંસ, બ્રિટન જેવા અનેક રાષ્ટ્રોમાં પ્રત્યાઘાતો પડ્યા હતા. સમર્થકો તથા વિરોધીઓએ રેલી જેવા કાર્યક્રમો પણ કર્યા હતા. અન્ય દેશો એલર્ટ હતા જ.
વૈશ્વિક સ્થિતિ વચ્ચે રાજકોટમાં ઇઝરાયેલ વિરોધી પોસ્ટરથી ખળભળાટ છે. પોલીસના સુત્રોએ જો કે, એમ કહ્યું કે કાફલાને દોડાવાયો ત્યારે કોઇ પોસ્ટર ન હતા. રસ્તા પર ચોંટાડાયા હોવાની શંકા છે અને તેના પર વાહનો ફરતા રહેતા હોવાથી ભુંસાઇ ગયાનું મનાય છે છતાં તપાસ કરવામાં આવી રહી છે.