ગોધરા સિવિલ હોસ્પિટલની દયનિય હાલત : બાળકોના વોર્ડમાં ડેન્ગ્યુના બાળ દર્દીઓની સંખ્યા વધતા ભોંયતળિયે પથારી કરી અપાય છે સારવાર

પંચમહાલ જિલ્લામાં હાલ મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે જિલ્લામાં આવેલ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે ખાસ કરીને બાળકોમાં ડેન્ગ્યુ અને અન્ય મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે જેને લઈને ગોધરા સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં સારવાર માટે બાળ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં દર્દીઓને ભોંયતળિયે પથારી કરી સારવાર આપવાનો વારો આવ્યો છે.

પંચમહાલ જિલ્લામાં હાલ મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે, જિલ્લામાં સરકારી આંકડા મુજબ 124 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને ફોગીગ, દવા છટકાવની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ આ રોગોના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અને એમાંય ખાસ કરી બાળકોમાં ડેન્ગ્યુ, બ્રોનકાઈટીસ ન્યુમોનિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

હાલ ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં હાલ 150 ઉપરાંત ડેન્ગ્યુના કેસો મળી આવ્યા છે તો બાળકોમાં પણ હાલ ડેન્ગ્યુ અને અન્ય મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે. જેને લઈને પંચમહાલ જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી ગોધરા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. ગોધરા સિવિલ હોસ્પિટલના મેઈલ,ફિમેઇલ અને પીડિયાટ્રિક વોર્ડ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. 15 પાથરી ધરાવતા પીડિયાટ્રિક વોર્ડની હાલત તો એવી થવા પામી છે કે આ વોર્ડમાં હાલમાં 60 જેટલા બાળકો સારવાર લઈ રહ્યા છે. વોર્ડમાં પાથરીઓ ખૂટી પડતા બાળકોને ભોંયતળિયે પથારી કરી બાળકોને સારવાર આપવામાં આવી છે. આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ અને એમાં પણ બાળકો પર વધારે ખતરો તોળાઈ રહ્યો હોવાની સંભાવનાઓને લઈને સરકારી હોસ્પિટલમાં બાળકોના અલગ વોર્ડ બનાવી સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી હોવાના દાવાઓ માત્ર મચ્છરજન્ય રોગોના કેસો વધતાની સાથે જ પોકળ સાબિત થઈ રહ્યા છે. જો ખરેખર કોરોનાની ત્રીજી લહેર આવે અને બાળકો વધુ સંક્રમિત થાય તો સરકારી હોસ્પિટલમાં કેવી સારવાર મળશે તે દ્રશ્યો જ બયાન કરી રહ્યા છે.

સમગ્ર મામલે સિવિલ સર્જન દાવો કરી રહ્યા છે કે ગોધરા સિવિલ હોસ્પિટલમાં આવેલ પીડિયાટ્રિક વોર્ડમાં હાલ બાળ દર્દીઓની સંખ્યામાં વધારો થવાને લઈને અલગ બીજો પીડિયાટ્રિક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે નવાઈની વાત છે કે સિવિલ સર્જનના દાવાઓ જો સાચા હોય અને અલગ વોર્ડ શરૂ કરવામાં આવ્યો હોય તો બાળકો ભોંયતળિયે પથારીમાં કેમ સારવાર મેળવી રહ્યા છે.