સેમીફાઈનલ માટે સમીકરણો થવા લાગ્યાં સ્પષ્ટ, સેમીફાઈનલની રેસમાંથી ૫ ટીમ બહાર!

ભારતમાં વનડે વર્લ્ડકપ 2023નું આયોજન કરવામાં આવ્યું અને રવિવાર 22 ઓક્ટોબર સુધી આ ટૂર્નામેન્ટમાં કુલ 21 મેચો રમાઈ હતી. એટલે કે ટૂર્નામેન્ટનો લીગ રાઉન્ડ લગભગ અડધા તબક્કામાં પહોંચી ગઈ છે. હવે સેમીફાઈનલને લઈને પણ સમીકરણો રચાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ એકમાત્ર એવી ટીમ છે જેણે તમામ 5 મેચ જીતી છે. આ સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં પણ ટોપ પર આવી ગઈ છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ પણ રવિવાર સુધી અજેય રહી હતી અને તેણે તેની પ્રથમ ચાર મેચ જીતી હતી, પરંતુ ભારત સામે હાર્યા બાદ ટીમને પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સ્થિતિ એવી છે કે, ભારત ટોચ પર છે, ન્યૂઝીલેન્ડ બીજા સ્થાને છે અને સાઉથ આફ્રિકા ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને ઓસ્ટ્રેલિયા અને 5માં સ્થાને પાકિસ્તાનના 2-2 પોઈન્ટ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની હાલત ખરાબ છે અને તે 9માં સ્થાને છે.

આ ટૂર્નામેન્ટનું આયોજન રાઉન્ડ રોબિન આધારે કરવામાં આવ્યું છે. એટલે કે, તમામ ટીમો લીગ તબક્કામાં 9-9 મેચ રમશે. આ ફોર્મેટમાં જે ટીમ 9માંથી 7 મેચ જીતશે તે અંતિમ 4માં કન્ફર્મ થશે, પરંતુ અહીં મામલો ચોથા અને 5માં સ્થાને રહેલી ટીમો વચ્ચે 6-6 જીત એટલે કે 12-12 પોઈન્ટ સાથે અટકી શકે છે. આવી સ્થિતિમાં નેટ રનરેટ કામમાં આવશે, પરંતુ તે પહેલા જો કેટલીક ટીમોની વાત કરીએ તો ઈંગ્લેન્ડ, શ્રીલંકા, નેધરલેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશે 4 મેચ રમીને માત્ર એક જ મેચ જીતી છે. આ દરેક ટીમોની પાંચ મેચ બાકી છે. સેમીફાઇનલ માટે ક્વોલિફાય થવાનું માપદંડ 6 જીત એટલે કે 12 પોઈન્ટનો આંકડો બની શકે છે. આ પાંચેય ટીમોએ સેમીફાઇનલની રેસમાં રહેવું હોય તો તેમની બાકીની તમામ મેચો જીતવી પડશે. જેથી એવું લાગી રહ્યું છે કે, આ પાંચેય ટીમ સેમીફાઇનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે.

અત્યાર સુધી ચિત્ર એકદમ સ્પષ્ટ દેખાય છે. ભારત, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાને સેમીફાઈનલમાં પહોંચી શકે છે, જ્યારે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાન માટે લડી રહ્યા છે. આજે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે મેચ ચાલુ છે. જો પાકિસ્તાન આ મેચ જીતશે તો, તે ટોપ-4માં આવી જશે. જે બાદ 25 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા અને નેધલેન્ડને હરાવીને ફરી ટોપ-4માં આવી શકે છે. મતલબ કે, બંને ટીમ વચ્ચે ચોથા સ્થાન માટે જંગ જોવા મળશે.