રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેઓ તેમના બેડરૂમમાં જમીન પર નીચે પડેલા મળી આવ્યા. આ દાવો ક્રેમલિનના એક આંતરિક સૂત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ટેલિગ્રામ ચેનલની પોસ્ટમાં કરવામાં આવ્યો છે. ટેલિગ્રામ ચેનલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સુરક્ષાગાર્ડોએ તેમને તેમના રૂમના ફ્લોર (જમીન) પર પડેલા જોયા. જોકે, તાત્કાલિક તેમની સારવાર કરવામાં આવી હતી, ત્યારબાદ તેમની તબિયતમાં થોડો સુધારો થયો છે.
ટેલિગ્રામ ચેનલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વ્લાદિમીર પુતિનના બેડરૂમની બહાર તૈનાત સુરક્ષા ગાર્ડ્સને અંદરથી જોરથી નીચે પડવાનો અવાજ સંભળાયો. આ પછી તેઓએ અંદર જઈને જોયું તે પુતિન નીચે જમીન પર પડેલા હતા. જે બાદ તાત્કાલિક જ ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા અને તેમને સ્પેશિયલ ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
ટેલિગ્રામ ચેનલ જનરલ એસવીઆર નિયમિતપણે રશિયન રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય પર ટિપ્પણી કરે છે અને કહે છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બીમાર છે. ચેનલ પર એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તાનાશાહ વિદેશ પ્રવાસ દરમિયાન બોડી ડબલ્સનો ઉપયોગ કરી રહ્યા છે.
જનરલ એસવીઆરએ જણાવ્યું કે, “મોસ્કો સમય અનુસાર રાત્રે લગભગ 9 વાગ્યે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર ફરજ પરના સુરક્ષાકર્મીઓને રાષ્ટ્રપતિના રૂમમાંથી કંઈક નીચે પડવાનો અવાજ સંભળાયો. બે સુરક્ષાકર્મીઓ તાત્કાલિક રાષ્ટ્રપતિના બેડરૂમમાં ગયા અને જોયું તો પુતિન બેડની બાજુમાં જમીન પર નીચે પડેલા હતા. એવું માનવામાં આવે છે કે જ્યારે રાષ્ટ્રપતિ પડી ગયા ત્યારે તેમણે ટેબલ પકડવા પ્રયાસ કર્યો હતો. જેના કારણે અવાજ થયો હતો.”
રશિયન રાષ્ટ્રપતિ કેન્સર સહિત અન્ય ઘણી બીમારીઓથી પીડિત છે. ટેલિગ્રામ ચેનલ જનરલ એસબીઆરએ દાવો કર્યો છે કે પુતિનની તબિયતને ધ્યાનમાં રાખીને ડોક્ટરોએ કહ્યું છે કે તેઓ આ શિયાળા પછી જીવિત રહી શકશે નહીં.