ગૌતમ અદાણીની ગ્રૂપની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોને નવી પેટાકંપનીનો ઉમેરો કર્યો છે. કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે પેટાકંપની કંપની ઉદાનવત લીઝિંગ IFSC (Udanvat Leasing IFSC Limited) લિમિટેડ સંપૂર્ણ માલિકીની છે.
અદાણી ગ્રૂપ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કંપની એરક્રાફ્ટની માલિકી અને લીઝના બિઝનેસ સાથે સંકળાયેલી છે. આ કંપની ગાંધીનગર સ્થિત છે, જેણે હજુ સુધી તેની કામગીરી શરૂ કરી નથી. કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. 2.5 કરોડ છે. તેના 25,00,000 શેર પ્રતિ સ્ટોક 10 રૂપિયાના ભાવે વિભાજિત થાય છે.
અદાણી ગ્રૂપ ઉડ્ડયન ઉદ્યોગોમાં પણ સક્રિય રીતે કામ કરી રહ્યું છે. સપ્ટેમ્બર 2022 દરમિયાન અદાણી જૂથે અદાણી એવિએશન ફ્યુઅલ લિમિટેડનો ઉમેરો કર્યો હતો. આ પેટાકંપનીની સ્થાપના ઇંધણના સોર્સિંગ, પરિવહન, પુરવઠા અને વેપારમાં સામેલ થવા માટે કરવામાં આવી હતી. અદાણી ગ્રુપ આ સેક્ટરમાં ઝડપથી બિઝનેસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
સોમવારે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે, અદાણી ગ્રૂપની કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના શેર 2.85 ટકા ઘટીને રૂ. 771 પ્રતિ શેર પર બંધ થયા હતા. છેલ્લા પાંચ દિવસમાં આ સ્ટોક 4.95 ટકા ઘટ્યો છે. આ સિવાય આ સ્ટોક એક મહિનામાં 6.62 ટકા ઘટ્યો છે. બીજી તરફ, અદાણી એન્ટરપ્રાઈઝના શેર સોમવારે 3.71 ટકા ઘટીને રૂ. 2,304 પ્રતિ શેર પર બંધ થયા હતા. છેલ્લા પાંચ દિવસમાં આ સ્ટોક 6 ટકા ઘટ્યો છે. તમને જણાવી દઈએ કે સોમવારે અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેર 3 થી 6 ટકા સુધી તૂટ્યા હતા.
નોંધનીય છે કે અદાણી ગ્રુપે ભારતમાં અનેક ક્ષેત્રોમાં પોતાનો બિઝનેસ ફેલાવ્યો છે. અદાણી ગ્રુપ બંદરોથી લઈને નવી ઉર્જા સુધીના બિઝનેસ સાથે સંકળાયેલું છે. આ ઉપરાંત, ગ્રૂપ અનેક પેટાકંપનીઓ દ્વારા અનેક વ્યવસાયોમાં સંકળાયેલું છે.