ગૃહ રાજયમંત્રીએ પોલીસ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી, અધિકારીઓએ કોલોઓન માટે સમય ન બગાડવો : હર્ષ સંઘવી

ગુજરાત સરકારના નવા મંત્રીઓ આજે ચાર્જ સંભાળવા લાગ્યા છે. ભાજપના સૌથી યુવા ગૃહ રાજ્યમંત્રી બનેલા હર્ષ સંઘવીએ પણ આજે કાર્યભાર સંભાળી લીધો છે. હર્ષ સંઘવીએ ખુરશી પર બેસવાનું પણ મુહૂર્ત કઢાવ્યું હતું અને તેઓ બરાબર 1 કલાક અને 10 મિનિટે ખુરશી પર બેઠા હતા. આ સાથે જ તેમણે પોતાની કાર્યશૈલીને લઈ કેટલાક સંકેતો આપી દીધા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓએ મારી પાસે પોતાનો પરિચય એટલે કે કોલ ઓન આપવા આવવું નહીં અને ખોટો સમય બગાડવો નહી. હું રૂબરૂ મુલાકાત લઈશ. આમ તેમણે આડકતરી રીતે કોઈ ખુશામત કરવા નહીં આવે તેવો સંકેત આપી દીધો છે.

ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતભરના લોકોને વિનંતિ કરી છે કે, આ કોઈ હોદ્દો નથી કે સેલિબ્રેશનનો મોડ નથી. આ એક જવાબદારી છે અને આ જવાબદારીને સારી રીતે નિભાવવા માટે મેં સૌને અપીલ કરી છે કે, કોઈપણ પ્રકારના બુકે કે ભેટ સોગાદ સાથે આપ અહીં આવવાને બદલે સમય બચાવવા માટે ઈમેલના કે અન્ય ટેકનોલોજિકલ માધ્યમથી આપની ઈચ્છા દર્શાવી શકો છો. અમારા સૌ વડીલો જેમણે અહીં કામ કર્યું છે તે તમામને વંદન કરું છું. તેમણે શરૂ કરેલા કાર્યોને આગળ વધારવા પ્રયાસો કરીશું.

પ્રથમ દિવસે તેમણે પોલીસ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી છે.ડીજીપી આશિષ ભાટીયા સહિત પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા. સાથે જ તેમણે લોકોને સંબોધતા કહ્યું કે આ કોઈ હોદ્દો નથી પણ જવાબદારી છે. અને જવાબદારી સારી રીતે સંભાળવા માટે બુકે કે ભેટ આપવા સમય ન બગાડવા માટે તેમણે અપીલ કરી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે તેમણે પ્રદીપસિંહ જાડેજા પાસેથી સવાલ કલાક સુધી માર્ગદર્શન મેળવ્યું છે.