દાહોદ, દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના આફવા ગામે એક મોટરસાયકલ રસ્તાની બાજુમાં આવેલ પુલિયાના ખાડામાં પડી જતા મોટરસાયકલ પર સવાર બે પૈકી એકનું મોત નીપજયાનું જાણવા મળે છે.
ગત તારીખ 21મી ઓક્ટોબરના રોજ ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે રહેતા પ્રભાતભાઈ સુરેશભાઈ કટારા અને તેમની સાથે સુરેશભાઈ એમ બંને જણા એક મોટર સાયકલ પર સવાર થઈ આફવા ગામની હદમાં પસાર થતા પાકા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પ્રભાતભાઈએ પોતાના કબજાની મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતા મોટરસાયકલ રસ્તાની બાજુમાં આવેલ પુલિયાના ખાડામાં ખાબકી ગઈ હતી. જેને પગલે પ્રભાતભાઈ તેમજ પાછળ બેઠેલા સુરેશભાઈને શરીરે હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા બંનેને નજીકના સ્થાનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સુરેશભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ સંબંધે સાગડાપાડા ગામે તળગામ ફળિયામાં રહેતા પર્વતભાઈ દીતાભાઈ ભેદીએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.