![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2023/10/23-10-2023-press-note-mahisagar-1-1-1024x768.jpeg)
- જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કૃષિ મેળો યોજાયો.
મહીસાગર, મિલેટ ડેવલોપમેન્ટ યોજના તેમજ એ.જી.આર-3 યોજના હેઠળ ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે આધુનિક કૃષિ તાંત્રિકતા અને નવીનતમ સંશોધનની માહિતી માટે મહીસાગર જીલ્લામાં તમામ છ તાલુકાઓમાં કૃષિ મેળો અને ધાન્યપાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત આજે લુણાવાડા બાવન પાટીદાર સમાજ ઘર ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જીલ્લા કલેકટર ભાવિન પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયો.
![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2023/10/23-10-2023-press-note-mahisagar-1-2-1024x768.jpeg)
આ કાર્યક્રમમાં મહાનુભાવોએ મિલેટ ધાન્ય પાકો અને પ્રાકૃતિક ખેતીના સ્વાસ્થ્યલક્ષી લાભો વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે, મીલેટ વિવિધ મિનરલથી ભરપૂર હોય છે. જે શરીરમાં ઘણા પોષક તત્વો પૂરા પાડે છે, તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. આજના સમયમાં ખોરાકમાંથી મિલેટ ધાન્ય પાકો લુપ્ત થતાં જાય છે. જેથી તેનો રોજીંદા જીવનમાં વ્યાપ વધારવા સરકાર તરફથી જન જાગૃતિ વધારવા માટે અભિયાન ચલાવવામાં આવે છે .જે હેઠળ આ કૃષિ મેળાનું આયોજન કરાયું હતું.
![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2023/10/23-10-2023-press-note-mahisagar-1-3-1024x768.jpeg)
મહાનુભાવોના હસ્તે જીલ્લાના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું તેમજ પ્રાકૃતિક મીલેટ ધાન્ય પાકની સારી ઉપજ કરનારા ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા. પશુપાલન વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે જીલ્લા ખેતીવાડી અધિકારી જે.આર. પટેલ, નાયબ પશુપાલન નિયામક એમ.જી. ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ, જીલ્લા પંચાયત સભ્યો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.