સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ એફઆઇાર નોંધાવી

મુંબઈ, છેલ્લા ઘણા વર્ષોથી સલમાન ખાનની સિક્યોરિટીમાં શેરા દરેક ક્ષણે બોલીવુડના સુલ્તાનની સાથે પડછાયાની જેમ રહે છે. હવે એક્ટરનો બોડીગાર્ડ શેરા ફરી એક વખત ચર્ચામાં છે. અભિનેતાના બોડીગાર્ડની માતા પ્રીતમ કૌર સાથે દુર્વ્યવહારનો મામલો સામે આવ્યો છે. તેમની માતા સાથે સોસાયટીના એક વ્યક્તિએ અભદ્ર ભાષામાં વાત કરી હતી ત્યારબાદ શેરાએ સોસાયટીના સભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, સોસાયટીના સભ્ય જયંતિલાલ પટેલ તેમની માતાને બદનામ કરી રહ્યો છે અને તેમના માટે અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરી રહ્યો છે.

શેરા અને તેમનો પરિવાર મુંબઈની મનીષ નગર સ્થિત બિલ્ડિંગમાં લગભગ ૫૦ વર્ષથી રહે છે. આ સોસાયટીમાં તેમના માતા ૨૦૨૧ સુધી ચેરમેન હતા અને જયંતિલાલ સેક્રેટરી છે. બંને વચ્ચે થોડા અણબનાવ બાદ આ મામલો શરૂ થયો હતો. શેરાએ આ મામલે જણાવ્યું કે, અમે છેલ્લા ૫૦ વર્ષથી મનીષ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહીએ છીએ. મારા માતા-પિતા અહીં મારા પુત્ર સાથે રહે છે અને હું છેલ્લા કેટલાક સમયથી ઓશીવારામાં રહું છું.

મારી માતા આ સોસાયટીના એચમેન હતા અને જયંતિલાલ સોસાયટીના સેક્રેટરી છે. ૨૦૧૬થી બિલ્ડિંગ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, આ માટે ૬૦ લાખ રૂપિયાનું બજેટ હતું પરંતુ તે ઓછું પડ્યું. જે બાદ મારી માતાએ ૨૦૨૧માં પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પરંતુ ત્યારથી જયંતિલાલ મારી માતાથી ગુસ્સે છે અને તેમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે મારા પિતાની સામે સહકારી હાઉસિંગ સોસાયટીની વાર્ષિક સામાન્ય બેઠકમાં મારી માતા માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.શેરાએ આગળ જણાવ્યું કે, જયંતિલાલે તેમના માતા સાથે ગાળા-ગાળી પણ કરી ચૂક્યો છે. જે બાદ તેમણે ડીએન નગર પોલીસ સ્ટેશનમાં કલમ ૫૦૯ અને ૫૦૦ હેઠળ ફરિયાદ નોંધાવી છે.