
- રાજ્યમાં હાર્ટએટેકના લીધે વધુ એક યુવકનું મૃત્યુ
- હાથીજણમાં ગરબા રમતા યુવકને આવ્યો હાર્ટએટેક
- 28 વર્ષીય રવિ પંચાલ નામના યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ
- હાથીજણ પાસેના પાર્ટી પ્લોટમાં અચાનક ઢળી પડ્યો યુવક
ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના બનાવો સતત વધી રહ્યા છે. પહેલા મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસ જોવા મળતા હતા, પરંતુ હવે નાના બાળકો અને યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસ જોવા મળી રહ્યાં છે. ચિંતાનો વિષય એ છે કે આ હાર્ટ એટેકના બનાવોમાં ઓન ધ સ્પોટ મોત થાય છે જેથી સારવાર માટેનો સમય મળતો નથી. નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના બનાવ વધતા આરોગ્ય નિષ્ણાંતો પણ ચિંતામાં મુકાયા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 9થી વધુ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. જેમાંથી કેટલાકના ગરબે રમતા રમતા મૃત્યુ થયા છે. અમદાવાદમાં પણ ચાલુ ગરબાએ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થતા ખુશીનો તહેવાર માતમમાં ફેરવાયો છે.

મિત્રો અને પરિવારજનો સાથે ગયો હતો ગરબા રમવા
મળતી માહિતી અનુસાર, અમદાવાદના વટવાના ઓમકાર હિલ્સ ખાતે રહેતો રવિ પંચાલ નામનો 28 વર્ષીય યુવક મિત્રો અને પરિવારજનો સાથે હાથીજણ સર્કલ પાસે આવેલ વૃંદાવન પાર્ટીપ્લોટમાં ગરબા રમવા માટે ગયો હતો. વૃંદાવન પાર્ટી પ્લોટમાં રવિ અને તેના મિત્રો ગરબા રમી રહ્યા હતા, આ દરમિયાન અચાનક જ રવિ ઢળી પડ્યો હતો અને બેભાન થઇ ગયો હતો.જે બાદ રવિને ગરબામાં હાજર એક નર્સ અને પોલીસ જવાને CPR આપ્યું હતું. બાદમાં મણિનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
વીડિયો પણ આવ્યો સામે
ચાલુ ગરબાએ રવિને હાર્ટ એટેક આવ્યો હતો અને તે અચાનક જ નીચે ઢળી પડ્યો હતો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે રવિ અને અન્ય બે વ્યક્તિ ગરબા રમી રહ્યા છે. આ દરમિયાન ચાલુ ગરબાએ અચાનક જ રવિ ઢળી પડે છે અને બેભાન થઇ જાય છે.
સ્ટોર મેનેજર તરીકે નોકરી કરતો હતો રવિ
આ અંગે રવિ પંચાલના નાના ભાઈ જિગ્નેશ પંચાલે કહ્યું કે, રવિની ઉંમર 28 વર્ષની જ હતી, તેને કોઈ બીમારી પણ નહોતી. અમારા પિતાનું 8 વર્ષ પહેલા અવસાન થયું છે. તેથી ઘરની તમામ જવાબદારી મારા ભાઈ રવિ પર જ હતી. રવિ કઠવાડા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં સ્ટોર મેનેજર તરીકે કામ કરતો હતો.
નાની ઉંમરે હાર્ટ એટેક ચિંતાનો વિષય
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે. આજકાલ નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવતા થઈ ગયા છે. ગઈકાલે ખેડાના કપડવંજમાં પણ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. ખેડાના કપડવંજ ખાતે રહેતા વીર શાહ નામનો યુવક છઠ્ઠા નોરતે ગરબા રમી રહ્યો હતો, ત્યારે ગરબા રમતા રમતા અચાનક નાકમાંથી લોહી નીકળ્યું છે. જેથી વીર શાહને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર અપાય તે પહેલા જ હાર્ટ એટેકથી તેનું મોત નિપજ્યું હતું. એકના એક દિકરાનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોક છવાયો હતો.
નવરાત્રી દરમિયાન આ બાબતોનું રાખો ધ્યાન
નવરાત્રીમાં હાર્ટ એટેકના બનાવ સતત વધી રહ્યા છે. ત્યારે નવરાત્રીમાં ગરબા રમવા જતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સતત 3-4 કલાક ગરબા રમવા છે તો પહેલા હેલ્થ ચેકઅપ કરાવો. બ્લડપ્રેશર, સુગર, ડાયાબિટીસ મપાવી લેવું. તેમજ ઘરનો સ્વચ્છ ખોરાક લેવો. સતત જંકફૂટ-પેકેટેડ ફૂડ ન ખાવું અને નવરાત્રીના તહેવારમાં ઉજાગરા કરવાનું ટાળો. પૂરતી ઉંઘ ન થાય તો પણ ધબકારા અને પ્રેશર વધે છે. તમાકુ, સિગારેટ, આલ્કોહોલ જેવા માદક દ્રવ્યોથી દૂર રહો. જે દિવસે માંદગી હોય તે દિવસે ગરબા રમવાનું ટાળો.
ગરબા રમતી વખતે શું ધ્યાન રાખશો?
ગરબા રમવાના દોઢ કલાક પહેલા ભોજન લો. ગરબા રમતા સમયે ચક્કર આવે તો તરત જ એકબાજુ બેસી જાઓ. ચક્કર આવે કે ગભરામણ થાય તો તરત જ ઉંડા શ્વાસ લો. આસપાસ જે વ્યક્તિ હોય તેને તમારી તકલીફ જણાવો. ગરબા દરમિયાન ચક્કર આવે કે ગભરામણ થાય તો કાર્ડિયાક અરેસ્ટ હોય શકે છે. ગરબા રમ્યા બાદ ફળ કે ડ્રાયફ્રૂટ લઈ શકો છો.