બનાસકાંઠાની સરકારી શાળાઓના ૩૫૩ વિદ્યાર્થીઓ હદયરોગની બિમારીની ઝપેટમા

  • સરકારી શાળાઓમાં મેડિકલ ચેકઅપ 
  • 353 વિદ્યાર્થી હ્રદયરોગની બિમારીના દર્દી
  • 3 વર્ષમાં 161 વિદ્યાર્થીને કેન્સર હોવાની વિગત 

બનાસકાંઠા જિલ્લાની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા સમયાંતરે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જેમાં આ વર્ષે 9 મહિનામાં જિલ્લાની ઘણી સરકારી શાળાઓમાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા કરવામાં આવેલી તપાસમાં 353 વિદ્યાર્થીઓને હ્રદયની બીમારી હોવાનું સામે આવ્યું છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ ઉપરાંત જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં 161 વિદ્યાર્થીઓને કેન્સર હોવાની વિગત પણ સામે આવી છે. જે સંખ્યા પણ ઉત્તરોત્તર વધી રહી છે.

જિલ્લાની સરકારી શાળાઓમાં ચાલતા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા સમયાંતરે મુલાકાત લઈને મેડિકલ ચેકઅપ કરાવવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ અનેક શાળાઓમાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં ચોંકવનારો ખુલાસો થયો છે. જે મુજબ આ વર્ષ કરવામાં આવેલી તપાસમાં 353 છાત્રો હાર્ટ સંબંધિત બીમારીઓથી પીડિત હોવાનું સામે આવ્યું છે. આપને જણાવી દઈએ કે, 2021માં 198 અને 2022માં 232 ને હૃદયની બીમારી હોવાનું સામે આવ્યું હતું. એટલે આ વર્ષે  હાર્ટ સંબંધિત બીમારીઓથી પીડિત છાત્રોની સંખ્યામાં વધારો થયો છે. 

જિલ્લા પંચાયત દ્વારા 3 વર્ષમાં હૃદય, કિડની, કેન્સર થેલીસીમિયાના ગંભીર બીમારીના 1534 બાળ દર્દીઓ શોધી કઢાયા છે. છેલ્લા ત્રણ વર્ષની સ્થિતિ તપાસીએ તો વર્ષ 2021માં 198 વિદ્યાર્થીને હ્રદયની બીમારી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે 2022માં 232, 2023માં 353ને  હ્રદયની બીમારી હોવાનું સામે આવ્યું છે.

એવી જ રીતે 2021માં 44 વિદ્યાર્થીઓને કિડની સંબંધિત બીમારી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે 2022માં 58 અને 2023માં 98ને કિડની સંબંધિત બીમારી હોવાનું સામે આવ્યું છે. તો કેન્સરની વાત કરીએ તો 2021માં 40 વિદ્યાર્થીઓને કેન્સર હોવાની વિગતો સામે આવી હતી જ્યારે 2022માં 49 અને 2023માં 73 વિદ્યાર્થીઓને  કેન્સર થયાની પણ માહિતી સામે આવી  છે.