દિવંગત દિગ્ગજ અભિનેતા અક્કીનેની નાગેશ્વર રાવની દીકરી અને સુપરસ્ટાર નાગાર્જુનની બહેન નાગા સરોજાનું નિધન થયું

મુંબઇ, સાઉથના સુપરસ્ટાર અક્કીનેની નાગાર્જુનના ઘર પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. દિવંગત પીઢ અભિનેતા અક્કિનેની નાગેશ્ર્વર રાવની દીકરી અને સુપરસ્ટાર નાગાર્જુનની બહેન નાગા સરોજાનું નિધન થયું છે. જણાવવામાં આવ્યું હતું કે તે લાંબા સમયથી બીમારીથી પીડિત હતાં. તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા.

અભિનેતાની બહેનને શ્ર્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. તેમણે ૧૭ ઓક્ટોબર, મંગળવારે આ દુનિયાને અલવિદા કહી દીધું. જેના કારણે અક્કીનેનીના ઘરમાં શોકનું વાતાવરણ છે. બહેનના મૃત્યુ બાદ નાગાર્જુનનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. નાગા સરોજા એક્ટર નાગાર્જુનની ત્રીજી મોટી બહેન હતી. અક્કીનેની નાગેશ્ર્વર રાવને પાંચ સંતાનો હતા અને નાગા સરોજા ત્રીજી દીકરી હતી. અક્કીનેની નાગેશ્ર્વર રાવને સત્યવતી, નાગા સુશીલા, નાગા સરોજા, વેંકટ અને નાગાર્જુન નામના ત્રણ દીકરીઓ અને બે દીકરા હતા.

જોકે નાગા સરોજાનું મંગળવારે સવારે મૃત્યુ થયું હતું, પરંતુ આ ઘટનાની જાણકારી મોડેથી સામે આવી હતી. અક્કીનેની નાગા સરોજાના મૃત્યુથી દુ:ખી છે. જેની જાણ થતા ફિલ્મી અને રાજકીય હસ્તીઓ નાગાર્જુનને મળવા આવી રહી છે. બુધવારે નાગા સરોજાના અંતિમ સંસ્કાર થયા હતા.

નાગાર્જુનની ત્રણ પેઢીઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. અક્કીનેની પરિવાર તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનોખું સ્થાન ધરાવે છે. નાગેશ્ર્વર રાવનો અભિનય વારસો તેમના નાના દીકરા નાગાર્જુને ચાલુ રાખ્યો છે. પૌત્ર સુમંત, નાગા ચૈતન્ય, અખિલ અને સુશાંત આ વારસાને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે વેંકટ અને નાગા સુશીલ ફિલ્મો પ્રોડ્યુસ કરી રહ્યા છે, ત્યારે સુપ્રિયા હાલમાં અન્નપૂર્ણા સ્ટુડિયોને મેનેજ કરે છે.

જોકે, પરિવારના મોટાભાગના સભ્યો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે, પરંતુ નાગા સરોજા શરૂઆતથી જ ઇન્ડસ્ટ્રીથી દૂર રહી છે. તે નાગાર્જુનની ફિલ્મ અને અન્ય ફંક્શનમાં જોવા મળી ન હતી. તે માત્ર ફેમિલી ફંક્શનમાં જ સામેલ થતી હતી.