ગુજરાતમાં હવે મોટા મોટા પાર્ટી પ્લોટમાં જઈને ગરબા રમવાનો ટ્રેન્ડ છે. જોકે ઘણી બધી જગ્યાએ વર્ષોથી ચાલી આવતી પરંપરાનું આજે પણ પાલન કરવામાં આવે છે. પોરબંદરના એક ગામમાં 99 વર્ષથી માત્ર પુરુષો જ ગરબા રમે છે. પોરબંદરના દિવેચા કોળી સમાજ દ્વારા માઇક વીના પરંપરાગત ટોપી પહેરી ગરબીનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 98 વર્ષથી યોજાતી દિવેચા કોળી સમાજની પરંપરાગત ગરબીનો આ વર્ષે 99 માં વર્ષમાં પ્રવેશ થયો છે.
આધુનિક યુગ માં લોકો વેસ્ટન કલચર તરફ આગળ વધી રહ્યા છે.પોરબંદર જિલ્લા માં પણ પ્રાચીન, અર્વાચીન સહિતની ગરબીઓ રમાઇ રહી છે. નવરાત્રિના પવિત્ર તહેવારમાં પોરબંદરમાં પણ શેરી ગલી તેમજ મોટી ગરબીઓનું ડીજેના તાલે આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ નવરાત્રિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ પોરબંદરની એક અનોખી ગરબી કે જ્યાં માત્ર પુરૂષો ગરબી રમે છે.
પોરબંદર શહેરના લીમડાચોક વિસ્તારમાં આવેલ ભદ્રકાળી માતાજીના મંદિરમાં છેલ્લા 98 વર્ષથી પુરૂષ ટોપી પહેરી માઇક વીના હારમોનીયમ તેમજ મોઢેથી માતાજીના ગરબા ગાઇને નવરાત્રિના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે.આદ્યશક્તિના પર્વમાં ભદ્રકાલી માતાજીના મંદિરની ગરબીમાં સ્ત્રીઓને ગરબા ગાવાની અને રમવાની મનાઇ છે. ગરબીમાં માથુ ઉઘાડું ચાલે નહીં.
પોરબંદરની ગૌરવરૂપ અને ભારતીય સંસ્કૃતીને ઉજાગર કરતી આ અનોખી ગરબીને દેશ વિદેશના મેગેઝીનોમાં લેખરૂપે પ્રસિદ્ધ થતા દેશ-વિદેશના લોકો માટે આ ગરબી આકર્ષણરૂપ બની છે. દિવેચા કોળી સમાજની માઇક વીનાની યોજાતી ગરબી આ વર્ષે 99માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. માતાજીના પ્રથમ નોરતે બાળકો, યુવાનો, વડિલો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે.