જજે હની સિંહ અને તેની પત્નીને ચેમ્બરમાં બોલાવીને સમજાવ્યાં

પંજાબી સિંગર હની સિંહ સામે તેની પત્ની શાલિની તલવારે ઘરેલું હિંસાનો અને વળતરનો કેસ દાખલ કર્યો છે. દિલ્હીની કોર્ટમાં તેની સુનાવણી થઈ હતી. એ વખતે ન્યાયધીશે બંનેને કેબિનમાં બેસાડીને સમજાવ્યા હતા.
હની સિંહની પત્ની શાલિની તલવારે હની સિંહ ઉપર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, ૨૦ કરોડ રૃપિયાના વળતરની માગણી પણ કરી છે. આ કેસની સુનાવણી વખતે દિલ્હીની કોર્ટના ન્યાયધીશ તાનિયા સિંહે બંનેને કેબિનમાં બોલાવીને સમજાવ્યા હતા.

ન્યાયધીશે એક કલાક સુધી બંનેને વિવિધ સવાલો કરીને તેમના વચ્ચેના ઝઘડાના કારણો જાણ્યા હતા. ન્યાયધીશે કહ્યું હતું કે પતિ-પત્ની વચ્ચે ઘણી બાબતોમાં મતભેદ હોય છે, તે મુદ્દે ચર્ચા કરીને નિવેડો લાવવો જોઈએ. આવી રીતે ઝઘડો કરવો યોગ્ય નથી.

તે સિવાય ન્યાયધીશે હની સિંહની પત્ની શાલિની તલવારને સાસરીમાં જઈને પોતાનો સામાન લેવાની પરવાનગી આપી હતી. પાંચમી સપ્ટેમ્બરે બે પોલીસ જવાનો સાથે શાલિની નોઈડા સ્થિત તેના સાસરિયાના ઘરમાં જઈને દાગીના અને તે સિવાયનો સામાન લઈ આવી શકશે.
હની સિંહના વકીલે દાવો કર્યો હતો કે હની સિંહની ચાર કરોડની કુલ પ્રોપર્ટીમાંથી એક કરોડની પ્રોપર્ટી શાલિનીના નામે છે. એ મુદ્દે કોર્ટે શાલિનીને વિગતો આપવાનો આદેશ પણ કર્યો છે. હવે આ મુદ્દે આગામી સુનાવણી ૨૮મી સપ્ટેમ્બરે થશે.