ફ્લાઈટમાંથી મુસાફરોનો સામાન ઉતારવાનું ઈન્ડિગો ભૂલી ગઈ,મુસાફરો રાહ જોતા રહ્યા

સિંગાપોરથી બેંગલુરુ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટે મંગળવારે અધવચ્ચેથી યુ-ટર્ન લીધો હતો. ટેકઓફ પછી, એરલાઇનને ખબર પડી કે તેનો સ્ટાફ ફ્લાઇટના અગાઉના મુસાફરોનો સામાન ઉતારવાનું ભૂલી ગયો હતો.

ફ્લાઇટ સવારે 5:40 વાગ્યે બેંગલુરુ માટે રવાના થઈ હતી. થોડા સમય પછી વિમાને સિંગાપોર પરત ફરવું પડ્યું. આ દરમિયાન ફ્લાઈટ લગભગ દોઢ કલાક સુધી હવામાં રહી હતી. સિંગાપોર એરપોર્ટ પર લોકો પોતાના સામાનની રાહ જોઈ રહ્યા હતા. બેંગલુરુ જતા મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી હતી.

ઈન્ડિગોના મિસ મેનેજમેન્ટને લઈને મુસાફરોએ સોશિયલ મીડિયા પર તેમની નારાજગી વ્યક્ત કરી હતી. ઈન્ડિગો એરલાઈનને ટેગ કરતાં X પર એક યુઝરે લખ્યું – આ અશક્ય સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન. ઈન્ડિગોના કર્મચારીઓ ફ્લાઈટમાંથી મુસાફરોનો સામાન ઉતારવાનું ભૂલી ગયા હતા.

ઘટના અંગે જણાવવામાં આવ્યું કે, ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ (6E 1006) સિંગાપોરથી બેંગ્લોર જવાનું હતું. જો કે, સિંગાપોરના ગ્રાઉન્ડ સ્ટાફે અગાઉના મુસાફરોનો સામાન ઉતાર્યો ન હતો. નવા મુસાફરો પ્લેનમાં ચઢ્યા અને ફ્લાઈટ બેંગલુરુ જવા રવાના થઈ.

ટેકઓફના થોડા સમય બાદ પાયલટને જાણ કરવામાં આવી હતી કે અગાઉના મુસાફરોનો સામાન ઉતારવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં, પાયલોટે સામાનને ઓફ-લોડ કરવા માટે ફ્લાઈટને સિંગાપોર તરફ પાછી વાળી હતી.

મુસાફરોના ગુસ્સા વચ્ચે એરલાઈને એક નિવેદન બહાર પાડ્યું હતું. ઈન્ડિગોએ કહ્યું- સિંગાપોરથી બેંગ્લોરની ફ્લાઈટ 6E 1006માં અગાઉની ફ્લાઈટના પેસેન્જર્સનો સામાન ઉતારવામાં આવ્યો ન હતો, અમે આ ભૂલ સ્વીકારીએ છીએ. અમે મુસાફરોને વિલંબ વિશે જાણ કરી હતી. આ દરમિયાન તેમને રિફ્રેશમેન્ટ પણ આપવામાં આવ્યું હતું.

પાઈલટના મોડા આવવાને કારણે એર ઈન્ડિયાની દિલ્હી-પુણે ફ્લાઈટ સતત બે દિવસ મોડી પડી હતી. 25 સપ્ટેમ્બરે ફ્લાઈટ નંબર AI853 રનવે પર બે કલાક સુધી પાઈલટની રાહ જોઈ રહી હતી. આ ફ્લાઈટમાં 100 થી વધુ મુસાફરો હતા. પાઇલટના કારણે બીજા દિવસે 26 સપ્ટેમ્બરે આ જ ફ્લાઇટ 4 કલાક મોડી પડી હતી. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગમાં મુસાફરો રાહ જોતા રહ્યા.

પટનામાં ભારે વાવાઝોડાના કારણે એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI 407 એર ટર્બ્યુલન્સમાં ફસાઈ ગઈ. જેના કારણે ફ્લાઈટ હવામાં ડોલવા લાગી. પટના એરપોર્ટ પર લેન્ડિંગના 20 મિનિટ પહેલા વિમાન અચાનક હવામાં ડગમગવા લાગી હતી. જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. 10 મિનિટ બાદ પ્લેન રનવે પર સુરક્ષિત લેન્ડ થયું હતું.