સ્ટ્રીટ લાઇટ, રસ્તા, ભૂગર્ભ ગટર, પાણીના નળ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવ બાબતે

  • ઝાલોદની સહલ નગર સોસાયટીના રહીશોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

દાહોદ,દાહોદ જીલ્લાની ઝાલોદની સહલ નગર સોસાયટી જે પડીમહુડી રોડ પર આવેલ છે. ત્યાંના સ્થાનિક રહેવાસીઓને પ્રાથમિક સુવિધાઓના અભાવનો સામનો કરી રહ્યાં છે. નગરપાલિકામાં કરવેરા ભરવા છતાંય પ્રાથમીક સુવિધા ન મળતાં સ્થાનીકોમાં રોષ જોવા મળી રહયો છે.

આ વિસ્તારમાં મૂળભૂત પાયાની સુવિધાઓ જેવીકે સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર, નવા પાકા રસ્તા, પાણીના નળ જોડાણ જેવી સુવિધાઓ ન મળતાં સ્થાનિક રહેવાસીઓમાં રોષ જોવા મળી રહેલ હતો. છેલ્લા કેટલાય સમયથી આ સુવિધાઓ માટે નગરપાલિકા તંત્ર અને મામલતદારને આ પરિસ્થિતિ અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે. છતાંય આ તંત્ર આંખ આડા કાન કરતું હોય તેમ લાગી રહ્યું છે. સત્તામાં બેઠેલ જાડી ચામડીના સત્તાધારી અધિકારીઓનો બાઈ બાઈ ચારણી જેવી રમત રમી આ વિસ્તારના લોકોને આશ્ર્વાસન આપતા આવેલ છે, પણ કોઈ ઠોશ કામગીરી કરવામાં આવી રહેલ નથી. હવે પ્રશ્ર્ન એ થાય છે કે આ વિસ્તારના રહીશોને પ્રાથમિક સુવિધાઓ આપવા જવાબદાર તંત્ર કામગીરી કરશે કે નહીં ?

સહલ નગર સોસાયટીમાં ઘણા બધા પ્લોટોની ખુલ્લી જગ્યા જોવા મળે છે. હાલ ચોમાસાની સિઝનમાં આ પ્લોટોમાં પાણી ભરાઈ રહેલ જોવા મળી રહેલ છે. તેમજ નગરમાં હાલ ડેન્ગ્યુ, મલેરિયા, તાવ જેવી બીમારીયોનો વાવડ જોવા મળી રહેલ છે. તેથી પાલિકા તંત્ર આવા પ્લોટના માલિકો પાસે સફાઈ કરાવે તેવી માંગ અહીંના સ્થાનિક રહેવાસીઓ કરી રહેલ છે. સહલ નગરની પાસે મૌલાના આઝાદ સ્કૂલ આવેલ છે. ત્યાં આશરે 800 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ બાળકો આવા રીશેષ દરમિયાન આવા ખુલ્લાં પ્લોટમાં રમતા હોય છે. જેથી આ બાળકો આ પ્લોટો પર ભરાયેલ ગંદા અને દુષિત પાણીને લઈ બિમાર પડી શકે તેમ છે, તો તંત્ર સત્વરે આવા પ્લોટ માલિકોને નોટિસ ફટકારી સત્વરે સફાઈ કરાવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહેલ છે.

સહલ નગરમાં ઇસ્માઇલ જીવાના ઘરની બાજુમાં ખુલ્લો પ્લોટ આવેલ છે અને આ પ્લોટમાં પારાવાર ગંદકી જોવા મળેલ છે, તેમજ અરજીમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ ગંદકીને લઈ સ્થાનિક બાળકને ડેન્ગ્યુ થયેલ હતો અને તે બાળકનું મૃત્યુ થયેલ હતું. સ્થાનિક તંત્ર સત્વરે જાગી વધુ કોઈ આવા જીવલેણ રોગનો શિકાર ન બને તેવી તકેદારી રાખી સાફ સફાઈ કરાવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહેલ છે. આ અગાઉ 26-07-2023 ના રોજ પણ સ્થાનિક પાયાની સુવિધા અંગે જવાબદાર તંત્રને અરજી આપેલ હતી છતાંય કોઈ પગલાં તંત્ર દ્વારા લેવામાં આવેલ નથી.