તહેવારોની સિઝનમાં ઘઉંના ભાવમાં (Wheat Price) વધારો થયો છે. હાલમાં ઘઉંની માગમાં વધારો થતા સ્થાનિક બજારમાં ભાવ 8 મહિનાની ટોચે પહોંચી ગયા છે. તેથી એવું માનવામાં આવી રહ્યુ છે કે ભાવ વધારાને નિયંત્રિત કરવા માટે સરકાર બજારમાં તેના સ્ટોકમાંથી વધારે ઘઉં જાહેર કરી શકે છે. આ ઉપરાંત આગામી ઘણા રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને (Election) ધ્યાને લઈ કેન્દ્ર સરકાર સ્થાનિક બજારમાં ભાવને નિનિયંત્રણમાં રાખવા માટે ઘઉંની આયાત પરની ડ્યુટી નાબૂદ કરી શકે છે.
ઘઉંની આયાત પર ડ્યુટી નાબૂદ થવાથી આયાત સસ્તા ભાવે થશે. રોઇટર્સના અહેવાલ મુજબ, મંગળવારે, 17 ઓક્ટોબરે દિલ્હીમાં ઘઉંના ભાવ 1.6 ટકા ના વધારા સાથે 27,390 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન પર પહોંચ્યા હતા. ઘઉંના આ ભાવ 10 ફેબ્રુઆરી, 2023 પછીનો સૌથી વધુ છે. છેલ્લા 6 માસમાં ભાવમાં 22 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આગામી સમયમાં પણ જો ઘઉંના ભાવમાં વધારો થતો રહેશે તો છૂટક મોંઘવારીમાં વધારો થઈ શકે છે અને ખાદ્યપદાર્થોની મોંઘવારી વધી શકે છે.
સરકારી ડેટા અનુસાર 17 ઓક્ટોબર, 2023ના રોજ ઘઉંના સરેરાશ ભાવ 30.29 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે, જ્યારે મહત્તમ કિંમત 58 રૂપિયા પ્રતિ કિલો છે. 1 મે, 2023ના રોજ બજારમાં ઘઉંના સરેરાશ ભાવ 28.74 રૂપિયા પ્રતિ કિલો અને મહત્તમ ભાવ 49 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો. ઘઉંનો નવો પાક 15 માર્ચ, 2024 પછી જ બજારમાં પહોંચવાની ધારણા છે. તેથી ભાવને નિયંતણમાં લાવવા માટે સરકારે ખુલ્લા બજારમાં તેના ક્વોટાના સ્ટોકમાંથી ઘઉં જાહેર કરવા પડશે.