સપા નેતા આઝમ ખાનને ૭ વર્ષની સજા, બનાવટી પ્રમાણપત્ર કેસમાં પરિવાર સહિત જેલ જશે

સપા નેતા આઝમ ખાનની મુસીબતો ઓછી થતી દેખાતી નથી. પુત્ર અબ્દુલ્લા આઝમના બે જન્મ પ્રમાણપત્રોના મામલામાં કોર્ટે સમગ્ર પરિવારને દોષિત જાહેર કર્યો છે. ત્રણેયને 7-7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આજે જ ત્રણેયને કોર્ટમાંથી સીધા જેલમાં મોકલી દેવામાં આવશે. રામપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે આ આદેશ આપ્યો છે. આ મામલે બીજેપી નેતા આકાશ સક્સેનાએ કેસ દાખલ કર્યો હતો.

2017ની વિધાનસભા ચૂંટણીમાં આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમે રામપુરની સ્વાર વિધાનસભા બેઠક પરથી સપાની ટિકિટ પર ચૂંટણી લડી હતી. તેઓ આ ચૂંટણીમાં પણ જીત્યા હતા. તેમના હરીફ ઉમેદવાર અને બીએસપી નેતા નવાબ કાઝિમ અલી ખાને અબ્દુલ્લાની ઉંમરને હાઈકોર્ટમાં પડકારી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે અબ્દુલ્લા વિધાનસભાની ચૂંટણી લડવાની ઉંમરના નથી.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમના બે જન્મ પ્રમાણપત્રોના મામલામાં કોર્ટે બુધવારે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આઝમ ખાન, તેની પત્ની ડો. તાજીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને સાત-સાત વર્ષની સજા ફટકારી છે. કોર્ટે ત્રણેયને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. નિર્ણયને લઈને કોર્ટમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત જોવા મળ્યા હતા. આ કેસમાં આઝમ ખાનના એડવોકેટે પણ કેસ ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે.

આ કેસમાં આઝમ ખાન ઉપરાંત તેમની પત્ની, પૂર્વ સાંસદ ડો. તઝીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લાનું નામ હતું. તેની સુનાવણી સાંસદ-ધારાસભ્ય વિશેષ અદાલત (મેજિસ્ટ્રેટ ટ્રાયલ)માં ચાલી રહી હતી. બંને પક્ષોની જુબાની પૂરી થયા બાદ કોર્ટે આ કેસમાં ચુકાદો આપવા માટે 18 ઓક્ટોબરની તારીખ નક્કી કરી હતી. જો કે, તેનાથી બચવા માટે આઝમ ખાન સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતા, જ્યાં તેમણે પોતાના એડવોકેટ દ્વારા કેસ ટ્રાન્સફરની અરજી દાખલ કરી હતી, પરંતુ તેમને કોઈ રાહત મળી ન હતી.

ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કોર્ટના નિર્ણય પર કહ્યું કે સત્તાના ઘમંડના કારણે આઝમ ખાને પોતાને કાયદાથી ઉપર માનવા લાગ્યા છે. કોર્ટના નિર્ણય બાદ લોકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. જેઓ સત્તામાં રહીને પોતાને કાયદાથી ઉપર માને છે તેમના માટે આ એક બોધપાઠ છે. આ સાથે, સરકારમાં રહીને કાયદાનો દુરુપયોગ કરનારા SP, BSP જેવા પક્ષો માટે પણ આ એક બોધપાઠ છે. વાસ્તવમાં કોઈ પણ કાયદાથી ઉપર નથી, જે કોઈ કાયદો હાથમાં લેવાની કોશિશ કરશે તેને આખરે જેલના સળિયા પાછળ જવું પડશે.

3 જાન્યુઆરી, 2019ના રોજ ભાજપના ધારાસભ્ય આકાશ સક્સેના દ્વારા આઝમ ખાનના પરિવાર વિરુદ્ધ બે જન્મ પ્રમાણપત્રનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે આઝમ ખાને પોતાના પુત્રના અલગ-અલગ જન્મતારીખવાળા બે બર્થ સર્ટિફિકેટ બનાવ્યા છે. જેમાં એક બર્થ સર્ટિફિકેટ રામપુર મ્યુનિસિપાલિટીમાંથી બનાવવામાં આવે છે જ્યારે બીજું લખનૌથી બને છે.

ભાજપના ધારાસભ્યના એડવોકેટ સંદીપ સક્સેનાએ કહ્યું કે આઝમ ખાનની અરજી સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવામાં આવી છે. હવે આ મામલે નિર્ણય આવ્યો છે. જેમાં આઝમ ખાન અને તેના પરિવાર પર છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો બનાવવા વગેરે જેવી ગંભીર કલમો હેઠળ આરોપી છે.