વડોદરા 100 કરોડની પ્રોપર્ટી માટે ભાણેજે જ સોપારી આપી કરાવી માસીની હત્યા

વડોદરામાં NRI મહિલાની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો છે. 100 કરોડની પ્રોપર્ટી હડપી લેવા માટે એનઆઈઆઈ મહિલા સુલોચના અમીનને તેના ભાણેજ નયને જ 2 લાખ રૂપિયામાં સોપારી આપી હતી. રવિવારે પહેલાં નોરતે રાતે 10 વાગે હત્યા કરવાનું નક્કી કર્યું. જેનુ કારણ એ હતું કે, હવેલીથી અઢીસો મીટર દૂર શેરી ગરબામાં વાગતા લાઉડ સ્પીકરના અવાજમાં વૃદ્ધાની ચીસો દબાઈ જાય. આમ, તરસાલી ગામે વૃદ્ધાની હત્યાના કેસમાં ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસે ભાણેજની ધરપકડ કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના તરસાલી વિસ્તારમાં 76 વર્ષના એનઆઈઆઈ મહિલા સુલોચનાબેન અમીન તેમના ભાણેજ નયન ઉર્ફે લાલુ અમીન સાથે રહેતા હતા. સુલોચનાબેનના પતિનું નિધન થયુ હોવાથી અને તેમને કોઈ સંતાન ન હોવાથી ભાણેજ નયન તેમની સાથે રહેતો હતો. સુલોચનાબેનને કોઇ સંતાન નહીં હોવાથી તેઓ નટુભાઇ ધુળાભાઇ અમીનના દીકરા સંજયને પોતાનો દીકરો માન્યો હતો. સંજય હાલમાં અમેરિકામાં રહે છે. પરંતુ બીજી તરફ નયનને આશા હતી કે, સુલોચનાબેન તેઓની પ્રોપર્ટી મને આપશે. પરંતું એવુ ન થયું. આ વાતનો ખાર રાખીને નયને સુલોચનાબેનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. 

નયન અમીને ઘરની પાસે જ રહેતા હેમંત પટેલે ભેગા મળીને સુલોચનાબેનની હત્યા માટે પ્લાનિંગ બનાવ્યુ હતું. હેમંતને પણ સુલોચનાબેન પર ગુસ્સો હતો. કારણ કે, તે સુલોચનાબેનના મકાનમાં ભાડેથી રહેતો હતો. પરંતું હેમંતને દારૂ પીવાની આદત હોવાથી સુલોચનાબેને તેને મકાન ખાલી કરવા કહ્યું હતું. તેથી બંનેએ મળીને તેમની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં નવરાત્રિની પહેલી રાતે હત્યા કરવાનું કાવતરુ ઘડ્યું. જેથી ગરબાના લાઉડ સ્પીકરમાં તેમની બૂમાબૂમનો અવાજ દબાઈ જાય. મર્ડર કર્યા પછી ઘરમાંથી લોહીના ડાઘા પણ તેઓએ સાફ કરી નાંખી પુરાવાનો નાશ કર્યો હતો. તે ઉપરાંત કપડા પર લાગેલા ડાઘા પણ તેમણે પાણીથી સાફ કરી નાંખ્યા હતા.

સુલોચનબેનની હત્યા કર્યા બાદ ભાણેજ નયને જ તેમની હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તેની એક ભૂલ તેને ભારે પડી હતી. સુલોચનાબેનની હત્યા કર્યા પછી આરોપી હેમંત સુલોચનાબેનનો મોબાઇલ ફોન પોતાની સાથે લઈ ગયો હતો. તેથી લોકેશનથી હેમંત પકડાઈ ગયો હતો. 

હત્યા બાદ સુલોચનાબેનને ફોન ગાયબ હોવાથી પોલીસે તેમનો મોબાઇલ સર્વેલન્સ પર રાખ્યો હતો. આ કારણે હેમંત શંકાના દાયરામાં આવ્યો હતો. કારણ કે, સિસ્ટમમાં જ્યા સુલોચનાબેનના ફોનનું લોકેશન બતાવતુ હતું, ત્યાં જ હેંમતના ફોનનું પણ લોકેશન આવતુ હતું. તેથી બંનેના  લોકેશન એક સાથે જ આવતા હતા અને વારેઘડિયે લોકેશન બદલાતા હતા. આમ, પોલીસે હેમંતને પકડીને તેની પાસેથી બધુ ઉગલાવ્યુ હતું. આખરે તે પોપટની જેમ પટપટ બોલી ગયો હતો. 

તેણે જણાવ્યું કે, નયને જ હેમંતને મર્ડર માટે તૈયાર કર્યો હતો. ગઇકાલે રાતે તેઓ સુલોચનાબેનના રૃમના પાછળના દરવાજેથી અંદર ઘુસ્યા હતા. ત્યારે સુલોચનાબેન જાગતા હતા. તેમણે પ્રતિકાર કરવાની કોશિશ કરી હતી. પરંતુ, ઉંમરના કારણે તેઓ વધુ  પ્રતિકાર કરી શક્યા નહતા. તેમણે બૂમાબૂમ શરૃ કરતા નયને તેઓનું મોંઢું દબાવી  દીધું અને હાથ પકડી રાખ્યા હતા. ઝનૂન  પર ઉતરી આવેલા  હેમંતે ચપ્પુના ઉપરાછાપરી પાંચથી છ ઘા ઝીંકી દીધા હતા.