
પોતાના ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન (Pakistan Economic Crisis)ની સ્થિતિમાં કોઈ સુધારો થતો દેખાઈ રહ્યો નથી. એક તરફ જનતા મોંઘવારીથી પીસાઈ રહી છે તો બીજી તરફ ઈંધણની અછત (Pakistan Fuel Crisis) ચરમસીમાએ છે. એક પછી એક વધારા બાદ પેટ્રોલ અને ડીઝલ દેશના લોકોની પહોંચની બહાર થઈ ગયા છે, તો ઈંધણની અછતની અસર પાકિસ્તાનના ઉડ્ડયન ક્ષેત્ર (Aviation Sector) પર દેખાઈ રહી છે અને PIAને તેની ફ્લાઈટ્સ રદ કરવી પડી રહી છે.
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)એ ઈંધણની શોર્ટેજને કારણે 48 ફ્લાઇટ્સ રદ્દ કરી દીધી છે. બાકી રહેલા પૈસાની ચૂકવણી ન કરવાની સાથે-સાથે કેટલાક ઓપરેશનલ મુદ્દાઓને કારણે ઈંધણ આપૂર્તિ પર પ્રતિબંધે પાકિસ્તાની ઈન્ટરનેશનલ એરલાઈન્સના ફ્લાઇટના સંચાલનને પણ અસર કરી છે. ગઈકાલે રદ્દ કરવામાં આવેલી 24 ફ્લાઇટ્સમાં 11 ઈન્ટરનેશન અને 13 ડોમેસ્ટિક ફ્લાઇટનો સમાવેશ થાય છે. તો PIAએ બુધવારે પણ 24 ફ્લાઈટ કેન્સલ કરી છે. જેમાં 16 આંતરરાષ્ટ્રીય અને 8 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ સામેલ છે. આ સિવાય ઘણી ફ્લાઈટમાં વિલંબ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
બાકી રકમ ચૂકવવામાં સક્ષમ ન હોવાને કારણે પાકિસ્તાનની એરલાઇન્સ (PIA)ને પહેલેથી જ ઓપરેશનલ સમસ્યાઓની સાથે જ ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ઈંધણની અછત ચરમસીમાએ પહોંચી ગઈ છે અને આ જ મુખ્ય કારણ છે કે એરલાઈન્સને મોટી સંખ્યામાં તેમની ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી છે અને જે ફ્લાઈટ્સ અલગ-અલગ સ્થળોએ હાજર છે, તેમાં પણ વિલંબ થઈ રહ્યો છે. PIAની 12 જેટલી ફ્લાઈટ મોડી ચાલી રહી છે.
પાકિસ્તાની અખબારના રિપોર્ટ મુજબ, પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ના ડોમેસ્ટિક ફ્લાઇટ ઓપરેશન્સ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આ સંકટ સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે પણ જોવા મળ્યું હતું. બાકી રહેલા પૈસાની ચૂકવણી ન કરવાને કારણે અને ઈંધણ પૂરવઠો બંધ થવાને કારણે 14 ફ્લાઇટ્સ રદ્દ કરવાની ફરજ પડી હતી અને ચાર ફ્લાઇટ્સ મોડી પડી હતી. રિપોર્ટમાં સત્તાવાર સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સ્ટેટ ઓઇલ (પીએસઓ)એ બાકી ચૂકવણી ન કરવાના મુદ્દે રાષ્ટ્રીય એરલાઇનને ઈંધણનો પુરવઠો રોકી દીધો છે.
PIA દ્વારા સતત ફ્લાઇટ કેન્સલ કરવામાં આવતા અને ફ્લાઇટના વિલંબને કારણે મોટી સંખ્યામાં હવાઈ મુસાફરોને છેલ્લા ઘણા દિવસોથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્લાઇટમાં વિલંબને કારણે માત્ર મુસાફરો જ નહીં પરંતુ ફ્લાઇટના ક્રૂને પણ અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.