પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ જો બાઈડેન સાથેની મહત્વપૂર્ણ બેઠક રદ કરી!

વોશિગ્ટન, પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પશ્ચિમ એશિયાના નેતાઓ સાથેની આજની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ કહ્યું કે અબ્બાસે આ નિર્ણય ગાઝાની એક હોસ્પિટલ પર ઈઝરાયલના કથિત હુમલાના વિરોધમાં લીધો છે. હવે જોર્ડને અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન અને ઇજિપ્ત-પેલેસ્ટિનિયન નેતાઓ સાથેની સમિટ પણ રદ કરી છે.

રાષ્ટ્રપતિ અબ્બાસ જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે આજે અમ્માન, જોર્ડનમાં આયોજિત બેઠકમાં ભાગ લેવાના હતા. આ બેઠકમાં તેમણે બાઈડેન સાથે ઈઝરાયલ-હમાસ યુદ્ધની તાજેતરની સ્થિતિ પર ચર્ચા કરવાની હતી. હમાસના આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે ગાઝાની હોસ્પિટલ પર થયેલા હુમલામાં ૫૦૦થી વધુ લોકો માર્યા ગયા છે.

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના વધતા જતા યુદ્ધમાં તણાવ ઘટાડવાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના પ્રયાસોને મંગળવારે જતા પહેલા જ આંચકાનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે જોર્ડને ગાઝાની એક હોસ્પિટલમાં વિસ્ફોટ બાદ આરબ નેતાઓ સાથે પ્રમુખની આયોજિત સમિટ રદ કરી હતી. બાઈડેનની વિદાય બાદ વ્હાઇટ હાઉસના એક અધિકારીએ કહ્યું કે રાષ્ટ્રપતિ હવે માત્ર ઈઝરાયલની મુલાકાત લેશે અને જોર્ડનની તેમની મુલાકાત મુલતવી રાખશે.