- યે બંધન તો પ્યાર કા બંધન હૈ, જન્મો કા સંગમ હૈ ગીત પણ ગાયું
મધ્યપ્રદેશની ઈન્દોર-1 વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કૈલાશ વિજયવર્ગીયનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, આ વીડિયોમાં BJP ના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય ગીત ગાઈ રહ્યા છે. વિડીયોમાં તેઓ ‘યે બંધન તો પ્યાર કા બંધન હૈ, જન્મો કા સંગમ હૈ’ ગીત ગાઈ રહ્યા છે. આ વીડિયો શેર કરતા કૈલાશ વિજયવર્ગીયની ટીકા થઈ રહી છે. જોકે તમને એમ થાય કે, આ ગીતમાં એવું તો શું છે કે જેનાથી તેની ટીકા થઈ રહી છે ? ટીકાનું કારણ આ ગીતનું ગાવાનું નથી પરંતુ તે કાર્યક્રમ છે જેમાં તેમણે ભાગ લીધો હતો. વાસ્તવમાં કૈલાશ વિજયવર્ગીય જેલમાં બંધ બળાત્કારના દોષિત આસારામ માટે આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થયા હતા.
આસારામના સમર્થકોએ તેમના માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગાવાની અને વગાડવાની પણ વ્યવસ્થા હતી. આ કાર્યક્રમમાં કૈલાશ વિજયવર્ગીય પણ હાજર રહ્યા હતા. તેમને ગાવાનો શોખ છે. તો અહીં પણ ગાયું. જે વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે તેમાં કૈલાશ વિજયવર્ગીયની પાછળ આસારામની એક મોટી તસવીર દેખાઈ રહી છે. આ શેર કરીને ભાજપ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. કૈલાશ વિજયવર્ગીય બળાત્કારના દોષિતના કાર્યક્રમમાં શા માટે ભાગ લીધો તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
રાષ્ટ્રીય લોકદળ (RLD) ના રાષ્ટ્રીય અભિયાન પ્રભારી પ્રશાંત કનૌજિયાએ X પર કૈલાશ વિજયવર્ગીયનો વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, ભાજપના એક નેતા બળાત્કારીના સમર્થનમાં ગીત ગાય છે અને મીડિયા તેના પર મૌન છે. જો ભાજપની સરકાર આવશે તો આસારામ જેવા બળાત્કારીઓને વધુ તાકાત મળશે.
15 ઓક્ટોબરની સાંજે આસારામના સમર્થકોએ ઈન્દોરના નરસિંહ વાટિકામાં ભજન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઈન્દોરમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેવા આવેલા કૈલાશ વિજયવર્ગીય પણ આ કાર્યક્રમમાં આવ્યા હતા. તે લગભગ 10 મિનિટ સુધી કાર્યક્રમમાં રહ્યા અને આ દરમિયાન તેમણે એક ગીત ગાયું. આ કાર્યક્રમના આયોજકો દ્વારા જાહેર કરાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અને ઈન્દોર વિધાનસભા મતવિસ્તાર નંબર 3 ના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આસારામના ચિત્રને માળા પહેરાવીને આશીર્વાદ લીધા હતા.
કૈલાશ વિજયવર્ગીયના આ વીડિયો પર મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથને પણ પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે કહ્યું, વડાપ્રધાન મોદી સૌથી વધુ આસારામના ઘરે જતા હતા, હું પણ જતો હતો, પરંતુ જ્યારે મામલો સામે આવ્યો ત્યારે (આસારામ વિરુદ્ધ) કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ સમગ્ર મામલે કૈલાશ વિજયવર્ગીય કે ભાજપ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.