જૂનાગઢના ઉપરકોટમાં જાહેરમાં નમાઝ પઢવાના ફોટા વાયરલ

જૂનાગઢ, જૂનાગઢના ઉપરકોટમાં નમાઝના ફોટા વાયરલ થઇ રહ્યાં છે. અડી કડી વાવ પાસે જાહેરમાં નમાઝના ફોટા વાયરલ થતા લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. રવિવારે ૮ શખ્સોએ ઉપરકોટમાં નમાઝ પઢી હતી. તેમાં પોલીસ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરશે.

પોલીસે તપાસ શરૂ કરતા ઉપરકોટ સંચાલકો દ્વારા સીસીટીવી આપવાનો ઇન્કાર કર્યો છે. તાજેતરમાં વડોદરાની જાણીતી એમએસ યુનિવર્સિટી પણ નમાઝ મામલે વિવાદમાં સપડાઈ હતી. એમએસ યુનિવર્સિટી ની કોમર્સ ફેકલ્ટીમાં સામે આવેલા શિવ મંદિર પાસે ત્રણ ઈસમોએ જાહેર નમાઝ પઢી હતી. મહત્વનું છે કે શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક પ્રવૃત્તિ કરવી તે પ્રતિબંધ છે તેમ છતાં જાહેરમાં યુનિવર્સિટી કેમ્પસમાં નમાજ પઢવામાં આવી હતી. જેને પગલે હવે વિવાદ ઉભો થયો હતો. આની પહેલા પણ ઘણી વખત જાહેરમાં નમાઝ પઢીને વિવાદ ઉભો કરવામાં આવ્યો છે.

ગુવાહાટી એરપોર્ટ પર નમાઝ અદા કરવા માટે અલગ રૂમ બનાવવાની માંગ પર ગુવાહાટી હાઈકોર્ટ ગુસ્સે થઈ હતી. હાઈકોર્ટે કહ્યું કે નમાઝ માટે મસ્જિદ છે, ત્યાં જાઓ. અને કહ્યું કે જો નમાઝ માટે અલગ ઓરડો નહીં બનાવવામાં આવે તો સમાજને શું નુક્સાન છે? તમારા કયા અધિકારોનું ઉલ્લંઘન થયું છે? આ સાથે કોર્ટે જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે આવી અરજીઓ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.

ચીફ જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ સુષ્મિતા ખાઉંડની ડિવિઝન બેંચ સમક્ષ આ અરજીની સુનાવણી કરવામાં આવી રહી હતી. તે સમયે બેન્ચે સવાલ કર્યો હતો કે, જો નમાઝ માટે અલગ રૂમ નહીં બનાવવામાં આવે તો તમારા કયા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થશે? આપણો દેશ સેક્યુલર છે. કોઈપણ એક સમુદાયની પ્રાર્થના માટે અલગ વ્યવસ્થા કેવી રીતે કરી શકાય? તમે મસ્જિદમાં જઈને નમાઝ અદા કરી શકો છો.