સુરત, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં પરિણીતાના પતિ અને સાસુ સામે આપઘાતની દુષ્પ્રેરણા અંગેનો ગુનો દાખલ થયો છે. જહાંગીરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી પતિ અને સાસુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પતિ ઓનલાઈન ગેમ રમવા માટે રૂપિયાની માંગણી કરી માર મારતો તેમજ સાસુ મહેણાંટોણા મારતી હતી.
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં રહેતા શશીકાંતભાઈ પટેલ ચઉ.૫૨ૃ ની દીકરી વિદ્યાના લગ્ન બે વર્ષ અગાઉ જહાંગીરપુરા સ્થિત સૂર્ય દર્શન રો હાઉસમાં રહેતા શ્રેયસ પટેલ સાથે થયા હતા. વિદ્યા ઘરમાં બ્યુટીપાર્લર ચલાવતી હતી. મહિલાએ ગત ૧૩-૧૦-૨૦૨૩ ના રોજ ઘરે જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ બનાવમાં પરિણીતાના પિતા શશીકાંતભાઈ પટેલએ તેના પતિ અને સાસુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો પતિ શ્રેયસ ઓનલાઈન ગેમ રમવા માટે સતત રૂપિયાની માંગણી કરતો હતો અને પરિણીતા રૂપિયા ન આપે તો મારઝૂડ પણ કરતો હતો આ ઉપરાંત તેણીના સાસુ પણ અવાર નવાર તેણીને મહેણાંટોણા મારી પિયરમાંથી રૂપિયા લાવવા માટે હેરાન કરતા હતા. માતા -પુત્ર પરિણીતાના બ્યુટી પાર્લરની કમાણીના રૂપિયા પણ લઇ લેતા હતા. હાલ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોધી પરિણીતાના પતિ શ્રેયસ અશ્વિનભાઈ પટેલ અને તેની સાસુ પ્રતિમાબેન સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.