અફઘાનિસ્તાનમાં તાલિબાની ફતવોઃ છોકરા-છોકરીઓ એકસાથે અભ્યાસ નહીં કરી શકે

આમ તો તાલિબાનીઓની કથની અને કરણીમાં તફાવત જોવા મળ્યો છે. પણ અફઘાનિસ્તાનમાં તોફાન જેવા માહોલમાં તાલિબાનીઓએ એક મોટો ફતવો બહાર પાડ્યો છે. રીપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનની હેરાત પ્રાંતમાં તાલિબાન અધિકારીઓએ સરકારી અને ખાનગી સ્કૂલ-યુનિવર્સિટીઓ માટે આદેશ કર્યો છે કે,છોકરીઓને હવેથી છોકરાઓ સાથે ક્લાસમાં ભેગા બેસાડવામાં નહીં આવે.

યુનિવર્સિટીના લેક્ચર દેનારા, ખાનગી સંસ્થાના માલિકો અને તાલિબાન અધિકારીઓ વચ્ચે ત્રણ કલાક સુધી બેઠક યોજાઈ હતી. જેમાં સ્પષ્ટતા થઈ હતી કે, સહ શિક્ષણ યથાવત રાખવાનો કોઈ વિકલ્પ નથી અને તે યોગ્ય પણ નથી. આ પ્રથાને હવે ખતમ કરી દેવી જોઈએ. અફઘાનિસ્તાનમાં કો એજ્યુકેશન અને અલગ અલગ ધોરણ માટે મિક્સ સિસ્ટમ છે. જ્યાં જુદા જુદા ધોરણના અભ્યાસ કરાવતી સ્કૂલ છે. દેશભરની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં કો-એજ્યુકેશન લાગુ કરાયું છે. જ્યાં છોકરા અને છોકરીઓ સાથે બેસીને અભ્યાસ કરી શકે છે. હેરાત પ્રાંતના લેક્ચરરે એવો તર્ક આપ્યો કે, સરકારી યુનિવર્સિટીઓમાં અને સંસ્થાઓમાં અલગ અલગ ક્લાસ માટેની વ્યવસ્થા કરી શકાય છે. પણ ખાનગી સંસ્થાઓમાં મહિલાઓની સિમિત સંખ્યાને કારણે અલગ અલગ ક્લાસની વ્યવસ્થા કરવી શક્ય નથી.

અફઘાનિસ્તાન ઈસ્લામિક અમિરાતના ઉચ્ચ શિક્ષણ પ્રમુખ મુલ્લા ફરીદ, જે હેરાતમાં થયેલી બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા તેમણે એવું પણ કહ્યું કે, કો-એજ્યુકેશન સિસ્ટમ જ સમાપ્ત કરી દેવી જોઈએ. કારણ કે આ જ સિસ્ટમ સમાજના દુષણોનું મૂળ છે. એક વિકલ્પ તરીકે એવી પણ સલાહ આપી કે, મહિલા લેક્ચરર અથવા વૃદ્ધો પુરૂષો તે જ્ઞાન ધરાવે છે એમને છોકરીઓને ભણાવવાની મંજૂરી છે. પણ કો-એજ્યુકેશન માટે વિકલ્પ નથી. આ સિસ્ટમ જ યોગ્ય નથી.

હેરાતમાં યોજાયેલી બેઠકમાં લેક્ચરરે કહ્યું કે, ખાનગી સંસ્થાઓ આવી રીતે અલગ વ્યવસ્થાનો ખર્ચ ઊઠાવી શકે એમ નથી. તેથી હજારો છોકરીઓ ત્યાં ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી શકે છે. હેરાત પ્રાંતમાં સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં આશરે 40,000 વિદ્યાર્થઓ અભ્યાસ કરે છે. જ્યારે 2000 લેક્ચરર છે. 20 વર્ષ પછી તાલિબાનો આટલી જોરદાર રીતે સક્રિય થયા છે. તા. 15 ઓગસ્ટના દિવસે તાલિબાની આકાઓએ કાબુલમાં કબજો જમાવી દીધો હતો. વર્ષ 2001માં અમેરિકાએ કાબુલમાંથી તાલિબાનોને ભગાડ્યા હતા. આ પહેલા પણ 5 વર્ષ સુધી તાલિબાનો રાજ કરી ચૂક્યા છે.