હાલોલ, હાલોલ જયોતિ સર્કલથી લઈ પાવાગઢ માંચી સુધી ચાર માર્ગીય રોડ અને તેની બાજુમાં પગપાળા યાત્રિકો માટેનો પથ બનાવવામાં આવ્યો છે. અને હાલોલ જયોતિ સર્કલથી પાવાગઢ માંચી સુધી તેમજ ડુંગર પર રસ્તા ઉપર લાઈટ થાંભલા ઉભા કરવામાં આવ્યા છે. તે સ્ટ્રીટલાઈટો હાલોલથી પાવાગઢ વચ્ચે બંધ હાલતમાં છે.
પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના ભકતો વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં આવતા હોય છે. જેને લઈ રાજય સરકાર દ્વારા માતાજીના દર્શને આવતા પગપાળા યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી વિકાસના કામો કાર્ય છે. રોજબરોજ તો ઠીક હાલમાં ચાલી રહેલી આસો નવરાત્રીમાં પણ આ લાઈટો બંધ હાલતમાં હોવાના કારણે પગપાળા ચાલતા આવતા માઈ ભકતોને રાત્રિના સમયે પોતાના જોખમે અને મોબાઈલની લાઈટના સહારે પસાર થવાનો વારો આવ્યો છે. પાવાગઢ જંગલ વિસ્તાર હોવાથી રાત્રિના સમયે હિંસક પશુઓનો પણ ભય હોય છે જેને લઈ યાત્રિકો ભયના માહોલમાં આ વિસ્તારમાંથી પસાર થવુ પડે છે. યાત્રિકો માટે લાખો રૂપિયાના ખર્ચે કરેલી સુવિધા હાલમાં શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે.