હમાસનો ખાત્મો પણ જરુરી, પેલેસ્ટાઈન એક સ્વતંત્ર દેશ બને તેનો માર્ગ મોકળો કરો,બાયડેન

વોશિગ્ટન, ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ભયાવહ સ્તરે પહોંચી ગયું છે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેન જે અગાઉ ઈઝરાયલની મજબૂત રીતે તરફેણ કરી રહ્યા હતા તેમણે જ ઈઝરાયલને ચેતવણી આપીને સૌને ચોંકાવી દીધા છે. બાયડેને ઈઝરાયલને કહ્યું કે ગાઝા પર ફરીવાર કબજો કરવો એ ઈઝરાયલની મોટી ભૂલ સાબિત થશે.

આ સાથે જ બાયડેને એમ પણ કહ્યું કે હમાસનો સંપૂર્ણપણે અંત આવે તે પણ જરૂરી છે અને તેની સાથે જ પેલેસ્ટાઈન એક સ્વતંત્ર દેશ બને તેનો માર્ગ પણ મોકળો કરવો જરૂરી છે. બાયડેને કહ્યું કે હું માનું છું કે હમાસનો અંત આણવો જરૂરી છે પણ પેલેસ્ટાઈન એક સ્વતંત્ર દેશ બની જાય તે પણ જરૂરી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયલને ચેતવણી આપતાં કહ્યું કે જો તે ગાઝા પર ફરી કબજો કરવાનો ઈરાદો ધરાવે છે તો આ તેની મોટી ભૂલ સાબિત થશે. હાં પણ હમાસને ત્યાંથી તગેડી મૂકવો જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે ૧૯૬૭માં મધ્યપૂર્વમાં ઈઝરાયલે પેલેસ્ટાઈનના વેસ્ટ બેન્ક , ગાઝા અને પૂર્વ જેરુસલેમ પર કબજો જમાવી લીધો હતો. હવે તે ગાઝા પટ્ટીને ફરી કબજામાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઈરાનને પણ બાયડેને ચેતવણી આપી હતી અને કહ્યું કે ઈરાન આ યુદ્ધમાં આગમાં ઘી હોમવાનું કામ ન કરે. જોકે બીજી બાજુ ઈરાન કહી ચૂક્યું છે કે ઈઝરાયલ હવાઇ હુમલા બંધ કરી દે નહીંતર ઈરાન પણ આ યુદ્ધમાં કૂદી પડવામાં જરાય વાર નહીં કરે.