ગુજરાતની જાણીતી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. કીર્તિ પટેલ વિરૂદ્ધ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તેની સામે મારામારીના ગુનામાં ફરિયાદ નોંધાઈ છે.તેની વિરૂદ્ધમાં અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવની વિગતો પ્રમાણે એક મહિલા સાથે મારામારીની ઘટના સબબ આ ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે આ મામલે વસ્ત્રાપુર પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ એક વિવાદાસ્પદ ઈમેજ ધરાવે છે. તેની વિરુદ્ધ અગાઉમાં પણ પોલીસ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ખાસ કરીને અમદાવાદના જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે અગાઉ એક કેસ નોંધાઈ ચૂક્યો છે. હાલ જે મામલે ફરિયાદ નોંધાઈ છે તે એક મહિલા દ્વારા કરવામાં આવી છે. જેમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે કીર્તિએ ફરિયાદી મહિલાના પતિ સાથે વાતચીત કરતા દરમિયાન ઝઘડો કર્યો હતો અને મારામારી પણ કરી હતી. જે મામલે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ વિરુદ્ધ પહેલા પણ ગુજરાતના અન્ય શહેરોમાં વિવિધ મામલે ફરિયાદો નોંધાઈ ચૂકી છે. કીર્તિ પટેલ અને તેના સાગરીતોની જૂનાગઢના ભેંસાણથી ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરતના કામરેજ પાસે એક ગાયો ભરેલી આયશરને રોકીને કીર્તિ પટેલ અને તેના સાગરીતોએ રોફ જમાવી મારામારી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે પણ ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત સેટલાઈટ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પણ અલગ અલગ ગુનાઓ તેની વિરુદ્ધમાં ફરિયાદો નોંધાઈ ચૂકી છે.