રાજકોટમાં ૩૩ વર્ષીય રાજકુમાર આહુજાનું હાર્ટ એટેકના લીધે મોત થયું છે

રાજકોટ, ગુજરાતમાં હાર્ટ એટેકનો સિલસિલો અટક્તો નથી. ગઇકાલના ત્રણ મોત બાદ રાજકોટમાં હાર્ટ એટેકથી એક યુવાનના મોતના સમાચાર આવ્યા છે. રાજકોટમાં ૩૩ વર્ષીય રાજકુમાર આહુજાનું હાર્ટ એટેકના લીધે મોત થયું છે. આ યુવાન રાજકોટની ગીતગુર્જરી સોસાયટીમાં રહેતો હતો.

રાજકોટમાં છેલ્લા કેટલાય સમયથી હાર્ટએટેકથી નિધનના સમાચારમાં નોંધપાત્ર વધારો થયો છે. નિયમિત રીતે હાર્ટએટેકના બનાવે આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે. આ અંગે જારી કરવામાં આવેલી એડવાઇઝરી મુજબ દરેક વ્યક્તિએ તેનું હેલ્થ ચેકઅપ કરાવી લેવું ફરજિયાત છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાર્ટએટેકના મોટાભાગના કિસ્સામાં એક સર્વસામાન્ય વલણ તે જોવા મળ્યું હતું કે તેઓની લાઇફસ્ટાઇલ અનિયમિત હતી. તેઓનું ખાનપાનથી લઈને સૂવાનું બધું અનિયમિત હતુ. રાજ્યમાં ગઇકાલે ત્રણના મોત થયા હતા.

પહેલી ઘટના મહેસાણાની છે જેમાં મહેસાણાના દેદિયાસનની આર.જે.સ્કૂલમાં શનિવારે પ્રિ-નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આર.જે સ્કૂલમાં ૠચિકા શાહ (ઉં.વ ૨૩) નામના શિક્ષિકા પણ કાર્યક્રમમાં ગયા હતા. સ્કૂલમાં ગરબા રમ્યા બાદ તેમની તબિયત અચાનક જ બગડી હતી. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ફરજ પર હાજર ડોક્ટરે તેમના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. ૨૩ વર્ષીય શિક્ષિકા ૠચિકા શાહના અકાળે અવસાનથી પરિવારમાં માતમ છવાયો છે.

સુરતના ઇચ્છાપોરમાં એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાત્રીના સમયે નવરાત્રી માટે માતાજીની મૂર્તિ લેવા ગયેલા ૨૮ વર્ષીય યુવાનને અચાનક છાતીમાં દુ:ખાવા થવા લાગ્યો હતો. ત્યાર બાદ યુવકને હોસ્પીટલ લઈ જતા યુવકનું મોત થયું છે. આ યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. મૃતક યુવક અમર કિશોર રાઠોડ હીરા કંપનીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકને પરણિત છે અને સંતાનમાં એક પુત્રી છે. યુવકના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

ત્રીજી તરફ વડોદરના પાદરામાં યવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે,. પાદરાની અરિહંત કોમ્પલેક્ષમાં યુવક અચાનક જ ઢળી પડ્યો હતો બાદ તેને તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયો હતો. તબીબે હાર્ટ અટેકથી મોત થયાનો ખુલાસો કર્યો હતો. યુવકના અચાનક ઢળી પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.