ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને ફંડ આપવાનો મામલો પાંચ જજની બેન્ચને મોકલાયો

નવીદિલ્હી, હવે સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની બેંચ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી બોન્ડ દ્વારા દાન મેળવવાના કેસની સુનાવણી કરશે. સોમવારે જ આ મામલામાં અરજી પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ આદેશ આપ્યો હતો. કોર્ટે પાંચ જજોની બેન્ચ દ્વારા આ મામલે સુનાવણી માટે ૩૦ ઓક્ટોબરની તારીખ પણ નક્કી કરી છે.

કોર્ટે કહ્યું કે તેને ચૂંટણી બોન્ડની માન્યતાને પડકારતી અરજી પર એક અરજી મળી છે, જેમાં તેને તેના પર અંતિમ નિર્ણય માટે મોટી બેંચને મોકલવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ પહેલા વકીલ પ્રશાંત ભૂષણે બેન્ચ સમક્ષ કહ્યું હતું કે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓ માટે આ યોજના શરૂ કરતા પહેલા તેની ન્યાયિક તપાસ જરૂરી છે.

આ મામલે ચાર પીઆઈએલ પેન્ડિંગ છે. એક અરર્જીક્તાએ માર્ચમાં કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને અત્યાર સુધીમાં ૧૨,૦૦૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે અને આ રકમમાંથી બે તૃતીયાંશ મોટી રાજકીય પાર્ટીને ગઈ છે. એવો દાવો કરવામાં આવે છે કે રાજકીય ભંડોળમાં પારદર્શિતા લાવવાના પ્રયાસોના ભાગરૂપે પક્ષોને રોકડ દાનના વિકલ્પ તરીકે ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા છે.

એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) માટે હાજર રહેલા ભૂષણે જણાવ્યું હતું કે ચૂંટણી બોન્ડ દ્વારા અજાણ્યા સ્ત્રોતોમાંથી ભંડોળ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે અને ભ્રષ્ટાચાર મુક્ત દેશમાં નાગરિકોના રહેવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. આ બંધારણની કલમ ૨૧નું ઉલ્લંઘન છે.