વિરપુર ગ્રામ પંચાયતમાં સફાઈ માટે લાખોનો ખર્ચ છતાં ગંદકીનુ સામ્ર્રાજય

વિરપુર, વિરપુર તાલુકામાં લાખો રૂપિયા ખર્ચીને જેટીંગ મશીન ખરીદવામાં આવ્યુ છે. તેમ છતાં તાલુકાની પ્રજાને ગટરોના દુષિત પાણી સાથે રહેવા મજબુર બનવાનો વારો આવ્યો છે.

વિરપુર ગામ સહિત બાલાસિનોર રોડ પાસે આવેલી યોગેશ્ર્વર પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી ગટર ઉભરાવવાના કારણે ગટરના પાણી વિરપુર-બાલાસિનોર જોડતા જાહેર માર્ગ પર પાણી ફરી વળ્યા છે. રસ્તા પર ગટરના દુષિત પાણી ભરાઈ રહેવાના કારણે રસ્તા વચ્ચે મસમોટા ખાડા પડી જવાથી નાના-મોટા અકસ્માત સર્જવાના કિસ્સાઓ બનતા રહે છે. આ વિસ્તારની આજુબાજુ બીજી અન્ય મહાલક્ષ્મી પાર્ક સોસાયટી તેમજ દુકાનો, કોલેજ, આશ્રમશાળા, બેંક ઓફ બરોડા પણ આવેલી છે. ગટરના પાણી રસ્તા પર આવી જવાના કારણે રહિશોને ગંદકીથી અસહ્ય દુર્ગંધ વેઠવાનો વારો આવ્યો છે. આ ઉભરાતી ગટર સંદર્ભે કોઈ નકકર પગલા ન લેવાતા સ્થાનિક લોકો રોષે ભરાયા છે. ગંદકીથી રોગચાળો ફેલાવવાની શકયતાઓ સેવાઈ રહેવાનો પગલે લોકોમાં રોષ ભભુકયો છે. વિરપુર ટી.ડી.ઓ.જે રસ્તેથી દિવસમાં ચારથી વધુ વાર અવર જવર કરતા હોવા છતાં આ સમસ્યા ઘ્યાનમાં લેવાતી નથી.