ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો આવી રહ્યો છે. તેમાં પણ યુવા વયના લોકો અને નાની વયના બાળકો અને કિશોરો સૌથી વધુ ભોગ બની રહ્યાં છે. આવામાં તબીબી બાલમ પણ ચિંતામાં છે. વડોદરાના પાદરામાં યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટએટેકની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. યુવક સેન્ડવીચની દુકાનમાં હતો, અને ત્યા જ ઢળી પડ્યો હતો.
પાદરાના અરિહંત કોમ્પ્લેક્સ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. જેમાં 45 વર્ષીય દીપક ચૌહાણ હાર્ટ એટેક આવતાની સાથે જ ઘટનાસ્થળે ઢળી પડ્યા હતા. પાદરાના બળિયાદેવ વિસ્તારની હાર્ટ એટેકની ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડી ગયા હતા. જ્યા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે ખસેડતા ફરજ પરના તબીબે હાર્ટ એટેકને પગલે યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું આ ઘટનાને પગલે પરિવારજનોમાં અરેરાટી મચી ગઈ છે. યુવક બળિયાદેવ મંદિર વિસ્તારમાં રહે છે. પંરતું સેન્ડવીચની દુકાનમાં માત્ર દોઢ મિનિટમાં દીપકનો ‘દિપક’ બુઝાયો હતો.
આવા કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. તેથી તબીબો સલાહ આપી રહ્યા છે કે, ગરબા રમતા સમયે છાતીમા દુખાવો થાય તો તેને અવગણશો નહિ. તરત જ સાઈડમાં નીકળી જજો અને આયોજકોની મદદથી તબીબી ટ્રીટમેન્ટ લઈ લેજો. તબીબી સલાહથી તાત્કાલિક સારવાર શરૂ કરાવો. છાતીમાં દુખાવો ઉપડે તો ગરબા રમવાનું ચાલુ ન રાખતા. બેચેની અનુભવાય તો તાત્કાલિક બેસી જાઓ. હલન-ચલન ન કરવું. આવા કિસ્સામાં છાતીના દુખાવાને અવગણશો નહિ.
અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં જાણાવાયું કે, નવરાત્રિમાં 26 ખાનગી હોસ્પિટલના તબીબો સેવા આપશે. સાથે જ AMA દ્વારા સૂચવાયું કે, બ્લડ પ્રેશર, ડાયબીટીશ, હૃદયની સમસ્યા હોય તે સાવચેત રહે. રોગથી પીડાતા લોકો લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળે. નિયમીત દવા લેવાની સાથે ડોક્ટરની સલાહ મુજબ ગરબા રમવા.