ગાઝા : પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસના ઈઝરાયેલ પર અચાનક હુમલા પછી ગયા સપ્તાહે દક્ષિણ ઈઝરાયેલમાં હમાસના આતંકીઓની ક્રૂરતાભર્યા વીડિયો અને તસવીરોથી લોકો હતપ્રભ થઈ ગયા હતા ત્યારે હવે ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં બાળકો સહિત નિર્દોષ નાગરિકોના મોત અને તેમના પરિવારજનોના આક્રંદના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે યુદ્ધની ભયાનક્તા દર્શાવી રહ્યા છે.હમાસના આતંકીઓના હુમલાના પગલે સર્જાયેલી યુદ્ધની સ્થિતિમાં ઈઝરાયેલનું સૈન્ય ગાઝા પટ્ટી પર વિનાશક હવાઈ હુમલા કરી રહ્યું છે, જેના પરિણામે ૨૦ લાખની વસતી ધરાવતા ગાઝા પટ્ટી વિસ્તારમાં હજારો ઈમારતો કબ્રસ્તાનમાં ફેરવાઈ ગઈ છે. ઉત્તરીય ગાઝામાં ચારેબાજુ માત્ર ઈમારતોનો કાટમાળ જોવા મળી રહ્યો છે. આ યુદ્ધમાં નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે અને તેમની આક્રંદ કરતી તસવીરો અને વીડિયો લોકોનું હૃદય હમચમાવી દે છે.
ગાઝામાં બચાવ કર્મચારીઓ સંપૂર્ણપણે નાશ પામેલા એક ઈમારતનો કાટમાળ હટાવતા જોવા મળેલા દૃશ્યથી હચમચી ઊઠયા હતા. તેમને ઈમારતના કાટમાળ નીચે એક મહિનાનું બાળક મળ્યું, જે મૃત માતાનું સ્તનપાન કરી રહ્યું હતું. ઈઝરાયેલના સૈન્યના હવાઈ હુમલામાં આ મકાન તૂટી પડતાં કાટમાળ નીચે દટાઈ જતાં માતાનું મોત થઈ ગયું હતું જ્યારે ૧ મહિનાનું બાળક જીવતું હતું.
આવી જ અન્ય એક ઘટનામાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયેલા એક નવજાત શિશુને અંતિમ ક્રિયા માટે લઈ જવાતું હતું ત્યારે તેની માતા શિશુને અંતિમ વખત ચૂંબન કરીને અલવિદા કહેતાં રડી પડી હતી અને વ્યાકુળ થઈને બાળકને કહેતી હતી, ‘ગૂડબાય ડાર્લિંગ, મારા હૃદયના ટૂકડા.’
મહિલાનું આક્રંદ જોઈને આજુબાજુ ઊભેલા લોકો પણ ભાવુક થઈ ગયા હતા. ઈઝરાયેલના સૈન્યના હવાઈ હુમલામાં તૂટી પડેલી ઈમારતોના કાટમાળમાંથી આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે, જે યુદ્ધની ભયાનકતા દર્શાવી રહી છે.