ચેન્નાઇ,અમદાવાદમાં ભારત અને પાકિસ્તાની વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાઈ હતી. જોકે આ મેચમાં ભારતીય ટીમને જોરદાર સમર્થન મળ્યું હતું. જેના જોરે ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને ૭ વિકેટે ધૂળ ચટાડી હતી. મેચ દરમિયાન મોદી સ્ટેડિયમ ખીચોખીચ ભરાયેલું હતું. એક લાખ જેટલા લોકોની ભીડે આ દરમિયાન જય શ્રી રામની નારેબાજી કરી ભારતીય ટીમને સપોર્ટ કર્યો હતો. જોકે હવે આ મામલે એમ.કે.સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિન ક્રિકેટ ફેન્સ પર બગડ્યાં છે. તેમણે આવી નારેબાજી સામે વાંધો ઊઠાવ્યો હતો.
સનાતન ધર્મનો નાશ કરવાની વાત કરી ચૂકેલા ઉદયનિધિ સ્ટાલિને આ વખતે કહ્યું છે કે ભારત તેની ખેલ ભાવના અને અતિથિના સત્કાર માટે જાણીતું છે. જોકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનના ખેલાડીઓ સાથે જે પ્રકારનું વર્તન કરાયું તે અસ્વીકાર્ય અને નીચલા સ્તરનું હતું. રમતને દેશોને એકજૂટ કરનાર તાકાત બનાવવી જોઈએ અને સાચા ભાઈચારાને પ્રોત્સાહન આપવું જોઈએ. તેને નફરત ફેલાવતા હથિયાર તરીકે ઉપયોગમાં લેવી ટીકાને પાત્ર છે.
મેચ દરમિયાન જય શ્રી રામની નારેબાજી સાથે નમો સ્ટેડિયમ ગુંજી ઊઠ્યો હતો. ભારતીય ક્રિકેટ ફેન્સ પાકિસ્તાની ક્રિકેટર્સને ખિજવતા હતા અને ભારતીય ટીમને સપોર્ટ કરી રહ્યા હતા. મોહમ્મદ રિઝવાન સહિત અનેક પાકિસ્તાની ક્રિકેટર્સે ફેન્સની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.