દાહોદ, દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરના ખોખા બજાર વિસ્તાર પાછળ રહેતા એક આશાસ્પદ યુવાન બે દિવસથી ગુમ હતો. જેની લાશ માન સરોવર માંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. યુવાને આત્મહત્યા કરી કે પછી તેની સાથે કોઈ બનાવ બન્યો હશે ? જેવી અનેક ચર્ચાઓ સાથે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીઆ નગરના ખોખા બજારના પાછળના વિસ્તારમાં રહેતા અલ્પેશ કિશોરસિહ બારીયા ઉ.વ. 36 નો જે ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. ત્યારે ગત તારીખ 13 ઓક્ટોબરના રોજ ઘરેથી બાઈક લઈને નીકળ્યો હતો અને મોડી રાત સુધી ઘરે પરત ન આવતા યુવાના પરિવારજનો ચિંતાતુર બન્યા હતા અને તપાસ હાથ ધરી હતી. તેમ છતાં આ યુવાન મળી ન આવતા તેના પરિવારજનોએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ગુમ થયાની જાણ કરી હતી. ત્યાર પછી તપાસ હાથ ધરતા તેની બાઈક રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી મળી આવી હતી અને તેના મોબાઈલ નંબર ઉપર ફોન કરતા રીંગ વાગતી હતી. સામેથી કોઈ જવાબ ના મળતા પરિવારજનોએ તેમજ પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યારે તારીખ 15 ઓક્ટોબરના રોજ દેવગઢ બારીઆ નગરની મધ્ય આવેલા માન સરોવરમાં કોઈ યુવકની લાશ તરતી હોવાની વાત વાયુવેગે નગરમાં પ્રસરતા બે દિવસથી ગુમ તેવા અલ્પેશ બારીયાના પરિવારજનો પણ માન સરોવર ખાતે દોડી આવ્યા હતા અને જોતા અલ્પેશ બારીયાની લાશ હોવાનું જણાય આવતા તેના મોટાભાઈ દિવ્યેશ કિશોરસિંહ બારીયા દ્વારા આ અંગેની જાણ દેવગઢ બારીઆ પોલીસ મથકે કરતા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશનું પંચનામુ કરી લાશને પીએમ અર્થે મોકલી આપ્યું વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આશાસ્પદ યુવાનના મોતને લઈ પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. ત્યારે આ યુવકના મોતને લઈ હાલ નગરમાં ચારે કોર ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે યુવાને મોતની છલાંગ લગાવી કે પછી કોઈ અન્ય બનાવ બનવા પામ્યો છે, તેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.