પંચમહાલના જાંબુઘોડામાં પોયલી ગામે આડા સંબંધના કારણે હત્યાની ઘટના ઘટી છે. જેમાં પ્રેમીએ પરિણીત પ્રેમિકાના જેઠને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો. પરિણીત પ્રેમિકાના અન્ય યુવક સાથે આડાસંબંધની જાણ તેના જેઠને થઈ ગઈ હતી. જેથી તેનો જેઠ પ્રેમમાં બાધારૂપ બન્યો હતો અને આડાસંબંધ રાખનાર યુવક સાથે ઝઘડો કર્યો હતો. જેની અદાવત રાખી આરોપી પ્રેમીએ પ્રેમિકાના જેઠની ઘાતકી હત્યા કરી હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
મૃતક અકસ્માતગ્રસ્ત હાલતમાં સીમમાંથી મળ્યા
જાંબુઘોડા તાલુકાના ડુંગરાળ ગામ પોયલીમાં રહેતા વનાભાઈ નાયકના ત્રણ દીકરાઓ પૈકી સૌથી મોટા ઈશ્વરભાઈ નાયક કે જે જંગલ ખાતાના દાંડિયાપુરા બીટમાં રોજમદાર તરીકે કામ કારતા હતા. જેઓ ગત બુધવારે નોકરીએ ગયા હતા. બીજા દિવસે એટલે કે ગુરુવારે તેઓ પોયલી ગામના જંગલના કાચા રસ્તા ઉપર તેમની મોટરસાઈકલ સાથે અકસ્માતગ્રસ્ત હાલતમાં પડેલા હોવાની જાણ તેમના ભાઈઓને થઈ હતી.
હત્યાની આગલી રાત્રે આરોપી સાથે ઝઘડો થયો હતો
મૃતક ઈશ્વર નાયકના નાના ભાઈ લક્ષ્મણભાઈ નાયકે જણાવ્યું હતુ કે, ઈશ્વરભાઈને ગત મંગળવારે રાત્રે પોયલી ગામના જ ગોર્ધન નાયક સાથે ઝઘડો થયો હતો. સૌથી નાના ભાઈ દર્શન નાયકની પત્ની સાથે તેના આડા સંબંધોને કારણે થયેલા ઝગડામાં ઈશ્વરભાઈની હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જાંબુઘોડા પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવતા તીક્ષ્ણ હથિયાર માથામાં અને મોઢામાં મારવાને કારણે મૃત્યુ થયા હોવાની હકીકતો સ્પષ્ટ થઈ હતી. જેથી પોલીસે શંકાના આધારે શકમંદની તપાસ હાથ ધરી હતી.
આડા સબંધોની વાત ગામમાં ફેલાઈ ગઈ હતી
શનિવારે સવારે પોલીસને પોયલીના શકમંદ ગોરધન ભનતાભાઈ નાયક જંગલમાં સંતાયેલો હોવાની વિગતો મળતા પોલીસે તેને જંગલમાંથી ઝડપી પાડ્યો હતો. જેને પૂછપરછમાં ઈંશ્વર નાયકના નાના ભાઈ દર્શનની પત્ની સાથેના અવૈદ્ય સંબંધોને કારણે ઈશ્વર સાથે થયેલા ઝગડાથી તેના સંબંધોની વાત ગામમાં ફેલાઈ ગઈ હતી.
છરાથી માથા અને મોઢાના ભાગે ઇજાઓ પહોંચાડી હત્યા કરી
આ અંગેની અદાવત રાખી જંગલના રસ્તે મોટરસાઈકલ લઈ આવી રહેલા ઈશ્વરને આંતરવા સીતાફળની ડાળીઓ રસ્તા ઉપર આડી કરી દીધી હતી અને ઈશ્વરને રસ્તામાં અટકાવી તેના ઉપર સાગના લાકડા અને છરાથી માથાના ભાગે અને મોઢાના ભાગે ઇજાઓ પહોંચાડી હત્યા કરી હતી. પોલીસે તેની સામે હત્યાનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે