રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની ૧૩ ટીમ તૈનાત

અમદાવાદ,
રાજ્યમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૭ તાલુકામાં વરસાદ પડ્યો છે. તો આજે સવારે ૬ કલાકથી ૧૦ કલાક સુધીમાં ૧૮૫ તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ છે. ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર પણ એલર્ટ પર છે. ગુજરાતમાં જુદી-જુદી ૧૩ જગ્યાએ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સતત વરસાદી માહોલ છવાયેલો છે.

ભારે વરસાદને કારણે કોઈ મુશ્કેલી ન પડે તે માટે એનડીઆરએફની ૧૩ ટીમ તૈનાત કરવામાં આવી છે.વડોદરાના જરોદ સ્થિત આવેલા એનડીઆરએફ હેડ ક્વાર્ટરથી રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં ટીમ મોકલવામાં આવી છે. જેમાં ભરૂચ, સુરત, દ્વારકા, ભુજ, નવસારી, ગીર સોમનાથ, મોરબી, દાહોદ અને ગાંધીનગરમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ થયા છે

સરકારની માહિતી પ્રમાણે રાજ્યમાં કુલ ૧૪૯ રસ્તાઓ બંધ કરવામાં આવી છે. કચ્છમાં એક નેશનલ હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે. તો રાજ્યના ૨૧ હાઈવે પણ બંધ છે. કચ્છમાં આ વર્ષે સીઝનનો ૨૩૮ ટકા વરસાદ થયો છે. તો અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. ગુજરાતમાં આજે રવિવાર અને સોમવારે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના પગલે રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો છેલ્લા ઘણા દિવસથી સતત થઈ રહેલા વરસાદને પગલે રાજ્યમાં અનેક નદી, તળાવો અને ડેમો છલી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *