મહેસાણા, મહેસાણા દૂધસાગર ડેરીમાં ચેરમેન પદની ચૂંટણીને લઈને વિવાદનો મધપૂડો છેડાયો છે.ડેરીમાં અઢી વર્ષના પ્રથમ તબક્કા માટે ચેરમેનની મુદત ગત ઓગસ્ટ માસમાં પૂર્ણ થઈ ગઈ છે. આ મુદત વિતે ત્રણ માસ જેટલો સમયગાળો વીતવા છતાં હજુ સુધી ચેરમેન પદ માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી.આ કારણે ચેરમેનની ચૂંટણીનો મામલો પશુપાલકોમાં ચર્ચાનું કારણ બન્યો છે.ચેરમેનની ચૂંટણી નહીં યોજવા પાછળ આખરે શુ કારણ જવાબદાર છે? તેનો જવાબ તો હાલ કોઈ આપવા તૈયાર નથી. પણ ચૂંટણી નહીં યોજવાના કારણે પશુપાલકોમાં શંકા કુશંકાઓ ઉભી થઇ છે
દૂધસાગર ડેરી ફરી એક વખત ચેરમેન પદ ની ચૂંટણીને લઈને ચર્ચામાં આવી છે.સહકારી સંસ્થાઓના નિયમ મુજબ સહકારી સંસ્થાઓમાં ૫ વર્ષના ગાળામાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદ અઢી અઢી વર્ષના બે તબક્કામાં વહેચાયેલું છે.એપીએમસી હોય કે દૂધ ઉત્પાદક સંઘ દરેક સહકારી સંસ્થામાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.પરંતુ મહેસાણા દૂધસાગર ડેરીમાં અઢી વર્ષનો પ્રથમ તબક્કો પૂર્ણ થવા છતાં ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ નથી.મહેસાણા દૂધસાગર ડેરીમાં અઢી વર્ષના પ્રથમ તબક્કાની મુદત ગત ઓગસ્ટ માસમાં પૂર્ણ થઈ છે.અને ઓગસ્ટ માસ બાદ અઢી વર્ષનો બીજો તબક્કો શરૂ થયો છે.
આમ અઢી વર્ષનો બીજો તબક્કો શરૂ થયા બાદ ત્રણ મહિના જેટલો સમય વીતી જવા છતાં હજુ દુધસાગર ડેરીમાં ચેરમેન ની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી.આ કારણે પશુપાલકોમાં તરેફ તરેહ ની ચર્ચાઓ શરૂ થઈ છે.પશુપાલકોમાં સવાલ ઉભો થયો છે કે આખરે એવું તો શું છે કે ચેરમેન ની ચૂંટણી નથી યોજાતી?બીજા તબક્કા માટે ચેરમેન ની ચૂંટણી ક્યારે તે સવાલ પશુપાલકો પૂછી રહ્યા છે.
મહેસાણા દૂધસાગર ડેરીમાં સંપૂર્ણ ભાજપ શાસિત પેનલ છે.અને દરેક સહકારી સંસ્થાઓમાં ભાજપ દ્વારા મેન્ડેડ થી ચેરમેન અને વાઇસ ચેરમેન ની વરણી કરવામાં આવે છે.મહેસાણા દૂધસાગર ડેરીમાં ભાજપ ની સ્પષ્ટ બહુમતી છે.અને ૨ ડિરેકટર ને બાદ કરતાં તમામ ડિરેકટર ભાજપ ના ચૂંટાયેલા છે.એટલે ભાજપ માટે આ ડેરીમાં ચેરમેન ની ચૂંટણી કરવી આસાન છે.
આમ છતાં ત્રણ માસ વીતી જવા છતાં ડેરીમાં ચૂંટણી નહિ યોજવાના કારણે હાલ આ મામલો સમગ્ર સહકારી રાજકારણમાં ચર્ચાસ્પદ બન્યો છે.દૂધસાગર ડેરીમાં હાલ ચેરમેન પદે અશોકભાઈ ચૌધરી છે.અને તેમની મુદત ગત ઓગસ્ટ માસમાં પૂર્ણ થઈ છે.હવે ભાજપ ની નો રિપીટ થિયરી લાગુ થાય તો ડેરીમાં નવા ચેરમેન ની વરણી થઈ શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.આ તમામ પરિબળ વચ્ચે ચૂંટણી નહીં યોજવામાં આવતા પશુપાલકોમાં ક્યાંય રંધાઈ રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે
દૂધસાગર ડેરીમાં તમામ ડિરેકટર ભાજપ ના હોવાને કારણે પાર્ટી દ્વારા આપવામાં આવેલ મેન્ડેડ ને તમામ ડિરેકટર એ સ્વીકારવું પડે. આમ છતાં ડેરીમાં ત્રણ મહિના થી ચૂંટણી નહીં યોજાતા ખુદ ડિરેક્ટરોમાં પણ આ મામલે શંકા કુશંકાઓ ઉભી થઇ છે.જો કે પાર્ટી ની શિસ્ત ને કારણે કોઈ ડિરેકટર હાલ ખુલીને બોલવા તૈયાર નથી.પણ હજુ જો ચૂંટણી નહીં યોજાય તો આ મામલો વધુ ગરમાવો પકડી શકે છે.