ભારતીય ખેલાડીઓના નામે છે એવાં રેકોર્ડ્સ જેને તોડવા પાકિસ્તાન માટે લગભગ અશક્ય

અમદાવાદ, વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની ટક્કર હવે પાકિસ્તાન સાથે થશે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં ખૂબ જ સારા લયમાં જોવા મળી રહી છે અને હવે આવતીકાલે એટલે કે મેચ ૧૪ ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. એ વાત તો નોંધનીય છે કે ભારત-પાકિસ્તાન બંને દેશો નબળા રાજકીય અને રાજદ્વારી સંબંધો ધરાવે છે અને જાન્યુઆરી ૨૦૧૨ થી આ બંને દેશ વચ્ચે એક પણ દ્વિપક્ષીય સીરિઝ રમાઈ નથી.

આ બધા વચ્ચે જો આપણે હેડ ટુ હેડ મેચોની વાત કરીએ તો પાકિસ્તાને વનડે અને ટેસ્ટ મેચોમાં ભારત સામે વધુ મેચ જીતી છે. જ્યારે ટી ૨૦ ફોર્મેટમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે. ક્રિકેટના ઈતિહાસમાં બંને ટીમના ખેલાડીઓએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. એવામાં આજે આપણે ભારતીય ટીમના કેટલાક એવા રેકોર્ડ વિશે જાણીએ જેને તોડવા પાકિસ્તાન માટે ખૂબ જ મુશ્કેલ છે.

પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. હાલમાં ટી ૨૦ અને વનડે વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે ૧૩-૧ નો રેકોર્ડ છે. પાકિસ્તાને ભલે ૨૦૨૧ ટી ૨૦ વર્લ્ડ કપમાં ૧૦ વિકેટથી જીત મેળવીને ભારતની સતત ૧૨ જીતનો સિલસિલો તોડી નાખ્યો હોય પરંતુ આ માટે તેને ૨૯ વર્ષનો લાંબો સમય રાહ જોવી પડી. પાકિસ્તાન હજુ સુધી વનડે વર્લ્ડ કપમાં ભારતને હરાવી શક્યું નથી.

આઇસીસી નોકઆઉટ મેચોની વાત કરવામાં આવે તો ભારત સૌથી સફળ ટીમોમાંની એક છે. ૨૦૧૧ વર્લ્ડ કપથી ભારત દરેક આઇસીસી વનડે ઇવેન્ટના નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચ્યું છે. જો જોવામાં આવે તો ભારતીય ટીમે અત્યાર સુધીમાં આઇસીસી વનડે ફોર્મેટમાં ૨૬ નોકઆઉટ મેચ રમી છે, જે પાકિસ્તાન કરતા વધુ છે.

ભારતે અત્યાર સુધીમાં પોતાની ધરતી પર ૧૧૪ ટેસ્ટ મેચ જીતી છે, જે કોઈપણ એશિયન ટીમ માટે સૌથી વધુ છે. પાકિસ્તાનની ટીમની વાત કરીએ તો તેણે ઘરઆંગણે ૬૦ ટેસ્ટ જીતી છે. ટીમ ઈન્ડિયાએ ૨૦૧૨-૧૩ની સિઝનમાં ઈંગ્લેન્ડ સામે ૧-૨થી હાર્યા બાદ ઘરઆંગણે કોઈ ટેસ્ટ સીરિઝ ગુમાવી નથી.