સુરતના ૧૫૭ લોકોને વિયેતનામમાં બંધક બનાવાયા

સુરત, સુરતથી વિદેશયાત્રાએ નીકળેલા લોકોને પરદેશમાં બંધક બનાવાયા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટ્રાવેલ એજન્ટ સાથે નાણાકીય તકરારમાં ટૂર ઓપરેટરે ૧૫૭ લોકોને વિયેતનામમાં બનાવ્યા હતા. ૧ કરોડ રૂપિયા કરતા વધુ રકમની વસુલાત માટે આ પ્રવાસીઓને બંધક બનાવાયા હતા. જોકે બાદમાં ગુજરાતના કેટલાક મધ્યસ્થીઓએ મામલો હલ કરાવી તમામને મુક્ત કરાવ્યા છે.

સુરતના ૧૫૭ લોકોને વિયેતનામમાં બંધક બનાવાયા હતા. સૂત્રો અનુસાર ટૂર ઓપરેટર દ્વારા ટૂર પ્લાનિંગની બાકી રકમની વસુલાત માટે આ કારસ્તાન કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. વિદેશી ધરતી ઉપર આ પ્રકારની ઘટના બનતા ભારતીય પ્રવાસીઓ ભયભીત બન્યા હતા.

ભારતીયોને વિયેતનામમાં બંધક બનાવાયા હોવાની ઘટનાની જાણ સુરત સ્થિત પરિવારજનોને કરવામાં આવતા સ્વજનો ચિંતિત બન્યા હતા. આ બાબત ભારતીય દૂતાવાસના ધ્યાન ઉપર લાવવામાં આવી હતી. આખરે ભારતીય દૂતાવાસના અધિકારીઓની મધ્યસ્થીથી ૧૦ કલાક બાદ સુરતીઓનો હેમખેમ છુટકારો થયો હતો. ૧૦ કલાક સુધી બંધક બનાવી રાખવાના કારણે પ્રવસીઓમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. આખરે ભારત સરકારના પ્રયાસોથી રાહતના સમાચાર આવ્યા હતા.

સૂત્રો તરફથી મળી માહિતી અનુસાર સુરતના લેઉવા પાટીદાર સમાજના ૩૫૦ લોકો વિયેતનામ ફરવા ગયા હતા. આ માટે એક ટૂર ઓપરેટર સાથે કરાર કરવામાં આવ્યો હતો. ટૂરની નક્કી કરાયેલી રકમ ટૂર ઓપરેટરને મળી ન હોવાના આક્ષેપ સાથે તેણે પ્રવાસીઓ સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. સુરતના ટૂર ઓપરેટરે ૧.૦૭ કરોડ નહીં ચૂકવ્યાનો આક્ષેપ સાથે પ્રવાસીઓને એરપોર્ટ પર અટકાવ્યા હતા.

લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા વિયેતનામ ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસ બાદ ૧૨ ઓક્ટોબરે સુરત આવવા નીકળેલા ગ્રૂપના સભ્યોને વિયેતનામમાં અટકાવ્યા હતા. આ સાથે વિવાદિત રકમ ચુકવવાની માંગણી પણ કરવામાં આવી હતી. ગંભીર સ્વરૂપ ધારણ કરી રહેલા મામલામાં આખરે ભારતીય દૂતાવાસના અધિકારીઓએ વાતચીત દ્વારા હાલ કાઢ્યો હતો. આખરે તમામ સુરત આવવા રવાના કરવામાં આવ્યા છે.