એક જ સપ્તાહમાં સિંગતેલના ભાવમાં ૩૪૦ રૂપિયાનો ઘટાડો, ફરી રૂ.૨૦ ઘટ્યા

રાજ્યમાં કુદકેને ભૂસકે વધી રહેલ કાળઝાળ મોંઘવારી વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલનાં ભાવ આસમાને આંબી રહ્યા છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. ત્યારે રાજ્યમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. નવરાત્રી અને દિવાળીના તહેવાર પહેલા સિંગતેલના ડબ્બાના ભાવમાં ઘટાડો થયો છે.

આજે ફરી સિંગતેલના ભાવમાં રૂ. 20નો ઘટાડો થયો છે. એક સપ્તાહમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.340નો ઘટડો થયો છે. મગફળીની આવક થતાં સતત તેલના ભાવ ઉતરી રહ્યા છે. સિંગતેલના ડબ્બાના ભાવ રૂ.2910 થયા છે. 

રાજ્યમાં થોડા સમય પહેલા સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3000ને પાર કરી ગયો હતો, જેના કારણે ગૃહિણીઓમાં દેકારો બોલાઈ ગયો હતો. સિંગતેલના ભાવમાં સતત વધારો થતો હતો, જેને લઈ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું હતું. પરંતુ છેલ્લા એક સપ્તાહથી ભાવમાં ઘટાડો થતાં લોકોને થોડી રાહત મળી છે. 

અનાજ-કરિયાણાના વેપારીઓના જણાવ્યા અનુસાર, મગફળીની આવક વધતાની સાથે જ ભાવમાં ઘટાડો થય છે. જે રીતે ભાવ ઘટી રહ્યા છે તે જોતા તહેવારમાં સસ્તુ સિંગતેલ લોકોને મળી તેવી સ્થિતિ જોવા મળી રહી છે. બુધવારે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2930 હતો, તેમાં રૂ.20 ઘટાડો થતાં હવે ભાવ રૂ.2910એ પહોંચ્યા છે. એક અઠવાડિયામાં જ સિંગતેલના ભાવમાં રૂ.340નો ઘટાડો થયો છે.