- બંને દેશો વચ્ચે આજ સુધી વિશ્ર્વ કપમાં ૭ મેચો રમાઇ છે, ભારતે સાતેય મેચો જીતી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે વિશ્વ કપની હાઇવોલ્ટેજ જંગ સમાન મેચ રમાશે. ભારતે આ સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચ ખુબ જ રોમાંચક પળોમાં જીતી હતી, અલબત 199ના લો-સ્કોરીંગ મેચમાં ભારતે માત્ર 2 રનમાં 2 ઓવરમાં જ કિંમતી 3 વિકેટો ગુમાવી દીધી હતી. જેમાં કિશન, રોહિત અને શ્રેયસનો સમાવેશ થતો હતો, પરંતુ ત્યારબાદ રાહુલ અને વિરાટે મેચને વિજયી ટ્રેક પર લાવીને નિર્ણાયક ભાગીદારી કરી મેચમાં વિજય મેળવ્યો હતો.
રવિન્દ્ર જાડેજાની 28 રનમાં 3 વિકેટ મુખ્ય બની રહી હતી. રાહુલ સદીથી વંચિત રહ્યો હતો તો વિરાટે આક્રમક અંદાજમાં 85 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા બાદ ભારતે અફઘાનિસ્તાન સામેની મેચ પણ 8 વિકેટે જીતી લઇને વિશ્વકપમાં શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્માની 31મી સદીએ અનેક કિર્તિમાનો નોંધાવ્યો હતા. વિશ્વ કપમાં તે હવે સૌથી વધુ 7 સદી ફટકારનાર એક માત્ર બેટધર બનવાની સાથે સૌથી વધુ છગ્ગા બાબતે પણ તેણે ક્રિસ ગેઇલને પાછળ રાખી દીધો હતો. હવે જયારે ભારતે પોતાની શરૂઆતની બંને મેચો જીતી લીધી છે, ત્યારે વિશ્વ કપમાં કયારેય પાકિસ્તાન સામે ન હારનાર ભારત અમદાવાદમાં પણ વિજયી સ્ટ્રોક મારવા કટીબધ્ધ છે.
પાકિસ્તાને પણ નેધરલેન્ડ અને ત્યારબાદ શ્રીલંકા સામે વિજય મેળવીને સારી શરૂઆત કરીને, શ્રીલંકા સામે 400 પ્લસનો લક્ષ્યાંક ચેઇઝ કરીને પાકિસ્તાને જબરદસ્ત દેખાવ કર્યો છે તે મેચમાં કુલ 4 સદીઓ નોંધાઇ હતી જે વિશ્વ કપનો એક વિક્રમ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની દરેક મેચો હાઇવોલ્ટેજ બની જતી હોય છે, વર્લ્ડ કપનો ઇતિહાસ ગવાહ છે કે ભારતનો દેખાવ શ્રેષ્ઠ જ રહ્યો છે.
છેલ્લે 2019ની 16મી જૂને રમાયેલ 12માં વિશ્વ કપની ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પણ ભારતે 89 રનથી ડકવર્થ લુઇસથી જીતી હતી. ‘મેન ઓફ ધ મેચ’ બનેલા રોહિત શર્માએ શાનદાર 140 રનથી ભવ્ય શતકીય ઇનિંગ્ઝ રમીને ટીમને વિજય અપાવીને ભૂતકાળનું પુનરાવર્તન કરાવ્યું હતું. ભારત તરફથી રાહુલે 57 અને કોહલીએ 77 રનની ઇનિંગ્ઝ રમીને ટીમ જુમલો 5 વિકેટે 336 સુધી પહોંચાડયો હતો.
અલબત પાકિસ્તાને 40 ઓવરમાં 6 વિકેટે 212 રન બનાવ્યા હતા. ડકવર્થના નિયમ હેઠળ ભારત 89 રનથી જીત્યુ હતું. ફખર ઝમાને 62, બાબર આઝમે 48 અને ઇમાદ વસીમે 46 રન બનાવ્યા હતા. હાર્દિક, કુલદીપ, શંકરે બબ્બે વિકેટો ઝડપી હતી.
આજ સુધી બંને દેશો વચ્ચે વિશ્વકપ સ્પર્ધામાં કુલ 7 મેચો રમાઇ છે, જે બધી મેચોમાં ભારતે જબરદસ્ત વિજયો પ્રાપ્ત કર્યા છે. 1992માં ભારતે 43 રને, 1996માં 39 રને, 1999માં 47 રને, 2003માં 6 વિકેટથી, 2011માં 29 રનથી, 2015માં 76 રનથી અને 2019માં 89 રનથી ભારત જીત્યું હતું.
સાતેય વિજય મેળવેલી મેચોમાં મેન ઓફ ધ મેચ બનેલા ખેલાડીઓમાં સચીન તેંડુલકર, નવજોત સિધ્ધુ, વેંકટેશ પ્રસાદ, સચીન તેંડુલકર 2 વખત, વિરાટ કોહલી 2015માં 107 રન તથા 2019માં રોહિત શર્માએ 140 રન બનાવી ‘મેન ઓફ ધ મેચ’ થયા હતા. 1996માં નવજોત સિધ્ધુએ કલાસીક 93 રન બનાવ્યા હતા તો 2003માં સચીને 98 રન તથા 2011માં 85 રન નોંધાવ્યા હતા.
આ વખતે પાકિસ્તાન સામે ભારત ખુબ જ મજબુત દેખાઇ રહ્યું છે. જો કે અફઘાનિસ્તાન સામેની વિજયી મેચમાં પાકિસ્તાનના બેટધરો ઝળકયા હતા. બાબર અને રિઝવાન ઉપરાંત ઇફતીખારથી ભારતે ખાસ ચેતવા જેવું તો ખરૂ જ, જો આ બેટધરોને બુમરાહ કે પછી રવિન્દ્ર જાડેજા સસ્તામાં આઉટ કરશે તો પછીનો હવાલો કુલદીપ અને સિરાઝ સંભાળી લેશે.
ભારતીય બેટધરોમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કે.એલ.રાહુલ, ઇશાન કિશન ઉપરાંત શ્રેયસ ઐયર સારા એવા ફોર્મમાં રમી રહ્યા છે. ત્યારે જો શુભમન ગીલ ટીમમાં હશે તો મેચ ઓર રંગીન બની જશે. ટુંકમાં આગામી ભારત અને પાકિસ્તાનનો જંગ ખરા અર્થમાં જમાવટ કરશે એમાં બે મત નથી. બંને ટીમોનો દેખાવ અત્યાર સુધી શાનદાર રહ્યો છે. પરંતુ અત્યારે વિરાટ કોહલી, કે.એલ.રાહુલ ઉપરાંત રોહિત શર્મા જબરદસ્ત ફોર્મમાં હોવા ઉપરાંત બુમરાહ, કુલદીપ તથા જાડેજા ગમે ત્યારે પરિસ્થિતિ પલ્ટાવી શકવા પુરેપુરા સક્ષમ છે પરંતુ પાકિસ્તાન તરફથી હજુ ફોર્મ વિહોણો બાબર ખાસ સ્કોર બનાવી શકયો નથી, રિઝવાન ઇફતીખાર અને શકીફ ફોર્મમાં રમી રહ્યા છે. રિઝવાન અને શકીફે તો સદીઓ પણ ફટકારી છે. ટુંકમાં મુકાબલો જામશે જ.