નવીદિલ્હી, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ’મની બિલ’ સંબંધી અરજીઓની સુનાવણીને પ્રાથમિક્તા આપવાની માંગનો વિરોધ કર્યો છે. કેન્દ્રએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજકીય અનિવાર્યતાને આધારે કેસની સુનાવણીની પ્રાથમિક્તા નક્કી કરી શકાય નહીં. અરજીમાં આધાર એક્ટને મની બિલ તરીકે પસાર કરવાની કાયદેસરતાનો મામલો સામેલ છે.
કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટની બેન્ચને ’મની બિલ’ અંગેની અરજીઓને સુનાવણીમાં પ્રાથમિક્તા નહીં આપવા જણાવ્યું હતું.
જ્યારે કપિલે આવા કેસની વહેલી સુનાવણીની માંગ કરી હતી. મહેતાએ જણાવ્યું હતું કે, અરજીઓની સુનાવણીને રાજકીય અનિવાર્યતાના આધારે પ્રાથમિક્તા આપી શકાય નહીં. જોકે, તેમણે કહ્યું હતું કે, કેસની સુનાવણીનો વિવેકાધિકાર કોર્ટનો છે. મની બિલ અંગેની અરજીઓ પર સુનાવણીની તારીખ અને કાર્યક્રમ નિર્ધારિત કરવાનો સમય આવ્યો ત્યારે તુષાર મહેતાએ કોર્ટમાં તેને પ્રાથમિક્તા નહીં આપવાની દલીલ કરી હતી.
એક અરજદાર વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, ’આ જીવંત મુદ્દો છે અને એટલે તેને સુનાવણીમાં પ્રાથમિક્તા આપવી જોઇએ.’ સિબ્બલના આગ્રહને પગલે સુપ્રીમના ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડે જણાવ્યું કે તે આ કેસને થોડી પ્રાથમિક્તા આપશે ત્યારે કેન્દ્ર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તેનો વિરોધ કર્યો હતો. મહેતાની દલીલને પગલે ચંદ્રચુડે જણાવ્યું હતું કે, ’નિર્ણય અમારી પર છોડી દો.’ અગાઉ કોર્ટે છ ઓક્ટોબરે જણાવ્યું હતું કે, તે આધાર એક્ટને મની બિલ તરીકે પસાર કરવાની કાયદેસરતાના મુદ્દા પર વિચાર કરવા સાત જજની બેન્ચનું ગઠન કરશે. મની બિલનો મુદ્દો આધાર એક્ટ અને પીએમએલએના સંદર્ભે પણ ઊભો થયો હતો.