- લીમખેડા તાલુકાના મોટીવાસવાણી ગામે અઢી વર્ષ અગાઉ સગીર વયની ભત્રીજી સાથે દુષ્કર્મ આચારવાના કેસમા કુટુંબી કાકાને આજીવન કેદની સજા ફટકારી.
- આરોપી કુટુંબી કાકાને દુષ્કર્મ તેમજ પોક્સોના ગુનામાં આજીવન કેદ તેમજ 10 હજાર રૂપિયા નો દંડ, તથા પીડિતાને બે લાખ વળતર પેટે ચૂકવવા કોર્ટનો આદેશ…
લીમખેડા,લીમખેડા તાલુકાના મોટીવાસવાણી ગામે આજથી અઢી વર્ષ અગાઉ ભાઈ જોડે કુવા પર પાણી ભરવા ગયેલી કુટુંબી કાકાએ 11 વર્ષીય સગીર વયની ભત્રીજીને પાણી પીવડવાના બહાને ઘરે બોલાવી ઓઢણા વડે મોઢું બાંધી ભત્રીજી જોડે દુષ્કર્મ આચરવાના કેસમાં લીમખેડા કોર્ટે કડક વલણ રાખી ત્રીજા એડિશનલ કોર્ટનાં જજે બન્ને આરોપીને આવા ગંભીર ગુનામાં સમાજમાં ઉત્તમ દાખલો બેસાડવા હેતુસર દુષ્કર્મ તેમજ પોક્સોની જુદી જુદી કલમો હેઠળ કસૂરવાર ઠેરવી આજીવન કારાવાસની સાથે 10,000 રૂપિયાનો દંડ ફટકારી પીડિતાને વળતરરૂપે બે લાખ રૂપિયાની સહાય ચૂકવવા આદેશો કરતા કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.
લીમખેડા ત્રીજા એડિશનલ કોર્ટ, તેમજ સ્પેશ્યલ પોક્સો કોર્ટનાં જજ મોંહંમદ હનીફબેગ મિરઝાબેગની કોર્ટ દ્વારા અવારનવાર અપહરણ, દુષ્કર્મ, પોસ્કો, તેમજ મારામારી જેવા કેસોમાં કડક વલણ રાખી ગુના આચારનાર આરોપીઓના મનમાં કાયદો અને કાનૂન વ્યવસ્થાનું એહસાસ થાય તેમજ સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ લોકોમાં ન્યાય પાલિકા તરફે પૂરતો વિશ્ર્વાસ અકબંધ રહે તે હેતુસર અગાઉ પણ ગંભીર ગુનાઓમાં કસૂરવારોને કઢોર સજાની સાથે દંડ ફટકારવામાં કોઈ કસર છોડી નથી. આરોપીઓના મનમાં કાયદો અને કાનૂન વ્યવસ્થા શું છે. તેનો ભાન થાય તે માટે આરોપીઓને કસુરવાર ઠેરવી સજા ફટકારવાનો સિલસિલો આજે પણ યથાવત રાખ્યો છે. જેમાં આજથી અઢી વર્ષ અગાઉ તા.26.03.2021 ના રોજ મોટીવાસવાણી ગામે એક પરિવારના વડીલો મજૂરી અર્થે બહારગામ ગયા હતા અને તેઓના બાળકો ઘરે હાજર હોવાથી બન્ને ભાઈ બહેન કુવા ઉપર પાણી ભરવા ગયા હતા. આ દરમિયાન 11 વર્ષીય સગીરાને તેના જ હવસખોર કુટુંબી કાકા કહેવાતા ખુમાન નારૂ કલારાએ સગીરવયની ભત્રીજી ના ઘરે પાણી પીવડાવવાના બહાને બોલાવી સગીરાના મોઢે ઓઢણું બાંઘી ભત્રીજી જોડે દુષ્કર્મ આચરી કાકા ભત્રીજાના સંબંધને લજાવી દીધા હતા. જે દરમિયાન સગીરાનો ભાઈ આવી જતા ઉપરોક્ત કુટુંબી કાકાએ ભત્રીજાને લાકડીના ફટકા મારી જો આ વિશે કોઈને કહેશો તો જાનથી મારી નાખીશ તેમ કહી ધાકધમકી આપી હતી. ત્યારબાદ કુટુંબી કાકાની વાસનાનો શિકાર થયેલી સગીરાએ પોતાના ઘરે આવી વડોદરા મુકામે મજૂરી અર્થે ગયેલા માતા-પિતાને બનાવ અંગે જાણ કરતા બીજા દિવસે સગીરાના માતા પિતા ઘરે આવી ઉપરોક્ત હવસખોર કુટુંબી કાકા ખુમાન નારૂ કલારા વિરૂદ્ધ લીમખેડા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. જે બાદ લીમખેડા પોલીસે ઉપરોક્ત દુષ્કર્મના આરોપી ખુમાન નારૂ કલારાને ઝડપી જેલ ભેગો કર્યો હતો. ત્યારબાદ આ આ કેસ લીમખેડા ત્રીજા એડિશનલ કોર્ટ, તેમજ સ્પેશ્યલ પોક્સો કોર્ટનાં જજ મોંહંમદ હનીફબેગ મિરઝાબેગની કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલની ધારદાર રજૂઆતો અને ગુનાની ગંભીરતા જોતા બંને આરોપીઓને કસૂરવાર ઠેરવી આઇપીસી ની કલમ 235 (2),376 (ક.ખ )ની કલમ હેઠળ આજીવન કેદ તેમજ 10,000 નો દંડ, તથા પોક્સોની કલમ 5- અંતર્ગત આજીવન કેદ તેમજ દસ હજાર રૂપિયાનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદ તથા પીડિતાને વળતર પેટે બે લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કરતા સમગ્ર કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.