મહીસાગર જીલ્લામાં સ્વચ્છતા ઝુંબેશને અસરકારક બનાવવા માટે જીલ્લા વિકાસ અધિકારીની નાગરીકોને અપીલ

મહીસાગર,સમગ્ર ભારતમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે, ત્યારે રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત મહીસાગર જીલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાનના અસરકારક અમલીકરણ માટે જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલએ જીલ્લાના નાગરીકોને અપીલ કરી છે.

જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ એ જણાવ્યું છે કે, મહીસાગર જીલ્લામાં તા.15 ઓક્ટોબરથી લઈને 16 ડિસેમ્બર 2023 સુધી અલગ અલગ સ્થળો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનની ઝુંબેશ હાથ ધરાશે. મહિનાના દર રવિવારે અલગ અલગ થીમ આધારિત લોકભાગીદારી સાથે ચોક્કસ સ્થળો ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે. આ સમય દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સરકારી કચેરીઓ ખાતે,નગરપાલીકા વિસ્તારમાં, ગ્રામ્ય પંચાયતો, આરોગ્ય કેંદ્ર,બસ સ્ટેશનો સહિતના સ્થળોએ સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવશે.