- પંચમહાલ જીલ્લાના ખેડૂતો સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લે તે માટે અનુરોધ કરતા જીલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી.પટેલ.
- ખેડૂત લાભાર્થીઓને 7 લાખ 11 હજારથી વધુ આવકની સહાય કીટનું વિતરણ કરાયું,વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ લગાવીને સરકારની યોજનાઓ અંગે પ્રદર્શન યોજાયું.
ગોધરા, ખેડૂતોની આવક બમણી થાય,ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તથા ખેડૂતો મિલેટ ધાન્ય પાકોનું વધુમાં વધુ વાવેતર કરે જેના અનુસંધાને સરકાર દ્વારા જન જાગૃતિ હેતુ સતત અભિયાનો ચાલી રહ્યા છે. આજે રાજ્યમાં ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતીની સાથે મિલેટ ધાન્ય પાકો તરફ વળ્યા છે. લોકોમાં મિલેટ ધાન્ય પાકો અંગે જાગૃતિ વધે અને રોજીંદા જીવનમાં વપરાશ થાય તે હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રિય મિલેટ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે.
આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે તથા ખેડૂતોમાં જાગૃતિ આવે તે માટે પંચમહાલ જીલ્લામાં વિવિધ તાલુકાઓમાં કૃષિ મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજરોજ પંચમહાલ જીલ્લાના ગોધરા સ્થિત ત્રિ-મંદિર, ભામૈયા ખાતે જીલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરાની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજાયો હતો. આ પ્રસંગે રંગમંચના કલાકારો દ્વારા મિલેટ ધાન્યના જન જાગૃતિ અર્થે ભવાઈ અને નાટક રજૂ કર્યું હતું. આ તકે મકાઈ સંશોધન કેન્દ્ર,ગોધરાના વૈજ્ઞાનિક દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે ખેતીમાં વધુ ઉત્પાદન કેવી રીતે લઈ શકાય તેની માહિતી આપી હતી.
ગુજરાતમાં વવાતા તૃણ ધાન્ય પાકો પૈકી નાગલી એટલે કે રાગીનું સ્થાન મોખરાનું છે. ગુજરાતમાં 14,161 હેકટર જમીનમાં વવાતી આ રાગીનું વાવેતર પંચમહાલ જીલ્લામાં પણ કરવામાં આવે છે.
આ કૃષિ મેળામાં જીલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી.પટેલે ખેતીવાડીને લગતી સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી તથા ખેડૂતોને આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરીને લાભ લેવા જણાવ્યું હતું. મહાનુભાવોના હસ્તે જીલ્લાના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો અંતર્ગત 7 લાખ 11 હજારથી વધુ રકમની કીટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા ખેડૂતોને સરકારની યોજનાઓ, લાભ અને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.
આ કૃષિ મેળામાં જીલ્લાના વિવિધ વિભાગોના કુલ આઠ સ્ટોલ લગાવીને જન જાગૃતિ હેતુ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે પંચમહાલ મદદનીશ ખેતી નિયામક એમ.કે.ડાભી દ્વારા સ્વાગત પ્રવચન જ્યારે ખેતીવાડી શાખાના અધિકારી દ્વારા આભારવિધિ રજૂ કરાઈ હતી.
કૃષિ મેળામાં તાલુકા પંચાયતના પ્રમુખ,જીલ્લા અને તાલુકા પંચાયતના સભ્યઓ, તાલુકા વિકાસ અધિકારી,પૂર્વ જીલ્લા પંચાયતના પ્રમુખ સહિત ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીઓ, ગ્રામ સેવક સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.