પંચમહાલ જીલ્લામાં દિવ્યાંગ વ્યકિતઓના એસેસમેન્ટ કેમ્પના આયોજનને લઈને જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

  • દિવ્યાંગ લોકોની જિંદગીમાં અનેક સંઘર્ષ રહેલા છે,તેમને પ્રોત્સાહિત કરીને સ્વાવલંબી બનાવવા તરફ આગળ વધવા તાકીદ કરતા જીલ્લા કલેકટર.
  • આગામી સમયમાં પંચમહાલ જીલ્લાના તમામ તાલુકા ખાતે દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય કેમ્પનું આયોજન કરાશે.

ગોધરા, ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની દિવ્યાંગ વ્યકિતઓ માટે અમલીકૃત એડીપ (ADIP) યોજના અંતર્ગત ભારત સરકારની એલીમ્કો કંપની દ્વારા પંચમહાલ જીલ્લાના તમામ તાલુકાઓમાં આગામી દિવસોમાં સ્ક્રીનીંગ કેમ્પ (એસેસમેન્ટ કેમ્પ)ના સુચારૂ આયોજનને લઇને જીલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને વિવિધ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જીલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પંચમહાલ જીલ્લાના તમામ તાલુકાઓમાં દિવ્યાંગ સાધન સહાય અંતર્ગત કેમ્પનું આયોજન કરાશે.એલીમ્કો કંપની મારફત દિવ્યાંગ લોકોને વિવિધ સાધન સહાય આપવામાં આવશે. તેમણે કહ્યું કે, દિવ્યાંગ લોકોની જિંદગીમાં અનેક સંઘર્ષ રહેલા હોય છે. પંચમહાલ જીલ્લામાં દિવ્યાંગોને આઇડેન્ટિફાઇ કરીને અગ્રીમ હરોળમાં લાવવા માટેના તમામ હકારાત્મક પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે. દિવ્યાંગોની ભાવનાને સમજીને તેમને સ્વાવલંબી બનાવવા તરફ સૌ કોઈએ સાથે મળીને કામ કરવા અનુરોધ કર્યો હતો. આગામી કેમ્પમાં વધુમાં વધુ દિવ્યાંગ લોકોને લાભ લેવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી મહેશ ચૌધરી, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ મોના પંડ્યા, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ સહિત તાલુકા વિકાસ અધિકારીઓ જોડાયા હતા.