હરિયાણવી ગીત ‘કોર્ટ મેં ગોલી’નો વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. કોર્ટમાં ગીત સામે આરોપ લગાવી ફરિયાદ થઈ છે કે, ગીતમાં ન્યાયપાલિકાનું અપમાન થયું છે. ગીત જોયા બાદ નિર્ણય લઈ શકાય તેમ જણાવી હાઈકોર્ટના જજે આ કેસની સુનાવણી આગામી સપ્તાહે કરવાનું કહ્યું હતું.
બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ અનુસાર ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ અને જસ્ટીસ અનિરુદ્ધ મયી ઉમાકાંત ચૌહાણ તરફથી દાખલ અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. ડિસેમ્બર 2022માં યુ ટયુબ પર અપલોડ કરાયેલા આ ગીત પર વાંધો રજુ કરી તેમણે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
અરજદારના વકીલ કુલદીપ સોલંકીએ બેન્ચને જણાવ્યું હતું કે, આ ગીતમાં અપરાધીઓને ન્યાયપાલિકાથી ઉપર દેખાડવાની કોશિશ થઈ છે. અપરાધી કોર્ટમાં રજુ થાય છે ત્યારે જજની સામે સાક્ષીને ગોળી મારી દે છે.
આમાં એક પંક્તિ છે- ભરી કોર્ટ મેં બી ગોલી મારેંગે, મેરી જાન, માથા જજ કા ભી આવેગે પસીને દેખીયે. આ કેસમાં ચીફ જસ્ટીસે જણાવ્યું હતું કે પહેલા અમને ગીત જોઈ લેવા દો, ત્યારબાદ અમે નિર્ણય કરી શકીએ છીએ.