ગાઝામાં મૃત્યુઆંક ૧૨૦૦ થયો, ૩૩૮,૯૩૪ બેઘર, વીજળી-પાણીનું ગંભીર સંકટ

તેલઅવીવ, ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ ભીષણ તબક્કામાં પહોંચી ગયું છે ત્યારે ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓને નિશાન બનાવીને મોટાપાયે હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયલ દ્વારા આ દરમિયાન હવાઈ, દરિયાઈ અને જમીનથી સતત હુમલા કરાઈ રહ્યા છે. ઈઝરાયલે અત્યાર સુધીમાં ગાઝાનું શાસન કરતાં આતંકી સંગઠન હમાસને નિશાન બનાવતાં ૧૨૦૦થી વધુ મોતને ઘાટ ઉતારી દીધા છે. તેમાં બેઘર થઈ ચૂકેલાં ગાઝાવાસીઓની સંખ્યા ૩૩૮,૯૩૪ પર પહોંચી ગઈ છે. તેમાં ફક્ત ૨૪ કલાકમાં ૩૦ ટકાની વૃદ્ધિ થઈ છે.

અહેવાલ અનુસાર પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લાં ૨૪ કલાકમાં હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૫૧ લોકો માર્યા ગયા હતા અને ૨૮૧ અન્ય ઘાયલ થયા હતા. મંત્રાલયે કહ્યું કે નવા આંકડાથી મૃત્યુઆંક લગભગ ૧૨૦૦ થઇ ગયો છે. જોકે ઘાયલોની સંખ્યા ૫,૩૩૯ થઈ ચૂકી છે. તેમાં ૧,૨૧૭ બાળકો અને ૭૪૪ મહિલાઓ સામેલ છે.

પત્રકારો સાથેની વાતચીતમાં ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર યુસુફ અલ રિશે કહ્યું કે હમાસના નેતૃત્વ હેઠળના ક્ષેત્રમાં તમામ હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે અને દવાઓ ખતમ થવાની અણીએ પહોંચી ગઈ છે. અબુ અલ રિશે કહ્યું કે મંત્રાલય ઘાયલ અને બીમાર લોકો માટે ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવા માટે જનરેટરનો ઉપયોગ કરવા મજબૂર છે કેમ કે ગાઝા પટ્ટીના વીજળી પ્લાન્ટમાં ઈંધણ પતી ગયું છે અને ઈઝરાયલે પણ સપ્લાય ઠપ કરી દીધો છે. ગાઝાની આશરે ૬૦૦૦૦૦ લોકોની વસતી પાણીથી વંચિત થઇ ગઈ છે.