નવીદિલ્હી, આજે દિલ્હી હાઈકોર્ટે બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં સાકેત કોર્ટ દ્વારા દોષિત આતંકવાદી અરિઝ ખાનની ફાંસીની સજા અંગે પોતાનો ચુકાદો જાહેર કર્યો. દિલ્હી હાઈકોર્ટે આરિઝ ખાનને આપવામાં આવેલી ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. દિલ્હી પોલીસ ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્માની હત્યા માટે ટ્રાયલ કોર્ટે ખાનને ફાંસીની સજા સંભળાવી હતી.
૧૩ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ દિલ્હીમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા. વિસ્ફોટમાં ૨૬ લોકોના મોત થયા હતા, જ્યારે ૧૩૩ લોકો ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે બોમ્બ બ્લાસ્ટ આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન દ્વારા કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને ૧૯ સપ્ટેમ્બરે જામિયા નગરના બાટલા હાઉસમાં ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકીઓ હાજર હોવાની માહિતી મળી હતી.
જ્યારે દિલ્હી પોલીસ ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્માની આગેવાની હેઠળની ટીમ આતંકીઓના ઠેકાણા પર પહોંચી ત્યારે પોલીસ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્માને આતંકીઓએ ગોળી મારી હતી અને શહીદ થઈ ગયા હતા. આ અથડામણમાં બે આતંકીઓ પણ માર્યા ગયા હતા. અન્ય આતંકવાદીઓ અરિઝ ખાન ઉર્ફે જુનૈદ અને શહજાદ અહેમદ ઉર્ફે પપ્પુ નાસી છૂટ્યા હતા અને બાદમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.